×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલનના 100 દિવસ, કાળા વાવટા સાથે હાઇવે જામ કરાયા


સરકાર કાયદામાં સુધારા કરવા કે અમલ અટકાવવા તૈયાર, વિપક્ષ અડચણ ઉભી કરે છે : તોમર

દિલ્હીની હિંસા માટે કોણ જવાબદાર? : ટિકૈતને સવાલો કરનારી યુવતીનું માઇક લઇ લેવાયું

નવી દિલ્હી, તા. 6 માર્ચ, 2021, શનિવાર

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 100 દિવસ પૂર્ણ થઇ ગયા છેે. ખેડૂતોએ આ 100માં દિવસને બ્લેક ડે જાહેર કર્યો હતો સાથે જ કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ વેને જામ કરી દીધો હતો.

આ એક્સપ્રેસ વે પર ઠેરઠેર ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યા હતા. દરમિયાન એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને સોનીપતમાં હજારો આંદોલનકારીઓ એક્સપ્રેસ વે પર એકઠા થયા હતા. 

ગ્રેટર નોઇડામાં પણ આંદોલનકારીઓએ પોતાની માગણીઓ સાથે ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે જામ કરી દીધો હતો. 28મી નવેમ્બરથી યુપી ગેટ પર ધરણા પર બેઠેલા પ્રદર્શનકારી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ટોલ ફ્રી કરવા તેમજ જામ લગાવવા માટે એકઠા થયા હતા. રવિવારે યુપી ગેટ પર ખેડૂતો દ્વારા મહાપંચાયત યોજાશે.

જેમાં રાકેશ અને નરેશ ટિકૈત પણ સામેલ થશે જેમાં આગામી રણનીતી અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું છે કે અમે સરકાર સાથે વાતચીત આગળ વધારવા માટે તૈયાર છીએ પણ આ વાતચીત કોઇ પણ પ્રકારની શરતો વગરની હોવી જોઇએ. અમે અમારી માગ પર અડગ છીએ, કાયદા પરત લેવા જ પડશે. 

જ્યારે વધુ એક વરીષ્ઠ ખેડૂત નેતા કુલવંતસિંહ સંધુએ કહ્યું હતું કે સંયુક્ત કિસાન મોર્ચા આગામી નવ તારીખે એક મહત્વની બેઠક યોજવા જઇ રહ્યું છે, જેમાં આગામી રણનીતી પર ચર્ચા કરવામા આવશે. હાલ દરરોજ વધુ ને વધુ લોકો ખેડૂત આંદોલનમાં સામેલ થઇ રહ્યા છે. દિલ્હીની સરહદો પર 1.25 લાખ ખેડૂતો એકઠા થયા છે. આંદોલનના 100માં દિવસે ખેડૂતોએ કાળી પટ્ટીઓ પહેરી હતી સાથે કાળા વાવટા સાથે પ્રદર્શન કર્યું હતું.

બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારે ખેડૂતોની સાથે 11 વખત વાતચીતની બેઠક યોજી છે અને કાયદામાં સુધારા માટે તેમજ કાયદાઓને દોઢ વર્ષ સુધી સસ્પેન્ડ કરવા માટે પણ તૈયાર છે. ખેડૂત સંગઠનો અને વિપક્ષ આ કાયદાઓમાં શું નુકસાનકારક છે તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. 

દરમિયાન હરિયાણાના મજ્જર જિલ્લા પાસે ઢાંસા બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં રાકેશ ટિકૈત પહોંચ્યા હતા, રાકેશ ટિકૈત મંચ પર વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક યુવતીએ તેમને માઇક વડે કેટલાક સવાલો કર્યા હતા. આ યુવતીએ પૂછ્યું હતું કે તમે કૃષિ કાયદાના નુકસાનની વાત તો કરો છો પણ આ આંદોલનનો હવે અંત કેવી રીતે લાવશો?

કોઇ પણ આંદોલનનું યોગ્ય પરીણામ આવવું જરૂરી છે. સાથે યુવતીએ પૂછ્યું કે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન જે હિંસા થઇ તેના માટે કોઇ જવાબદાર. યુવતી પાસેથી બાદમાં માઇક લઇ લેવામાં આવ્યું હતું. કોંગ્રેસે ખેડૂત આંદોલનના 100 દિવસ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા હતા.