×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતો સાથે ચર્ચા કરવા આખરે વડાપ્રધાન મોદીની તૈયારી


ટેકાના ભાવ હતા, ટેકાના ભાવ છે અને ટેકાના ભાવ રહેશે : ભારતે એફડીઆઇ-ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજીથી બચવાની જરૂર : મોદી

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી, 2021, સોમવાર

વડાપ્રધાન મોદીએ આજે રાજ્યસભામાં લગભગ સવા કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. એ ભાષણમાં તેમણે ખેડૂત આંદોલન, કોરોના રસી, બંગાળની ચૂંટણી વગેરે મુદ્દા અંગે રસપ્રદ વાતો કરી સદનમાં હાસ્યની છોળો ઉડાવડાવી હતી.

રાષ્ટ્રપતિના ભાષણનો જવાબ આપવા તેઓ ઉભા થયા હતા. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિજીએ કરેલું દાયકાનું પ્રથમ ભાષણ સાંભળવા કેટલાક પક્ષ હાજર રહ્યા ન હતા, પણ હાજર રહ્યા હોત તો વધારે સારૂં થાત. કેમ કે તેમનું  ભાષણ વિપક્ષ સહિત સૌ કોઈએ સાંભળવા જેવું હતું. 

ખેડૂત આંદોલન અંગે તેમણે કહ્યું હતું કે નવા કાયદામાં મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી-લઘુતમ ટેકાના ભાવ) રદ થશે એ વાત ખોટી છે. લઘુતમ ટેકાના ભાવ હતા, છે અને રહેશે.

આ તકે તેમણે પૂર્વ વડાપ્રધાનનું વિધાન રજૂ કર્યું હતું. અગાઉ મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે કહ્યું હતું કે ભારતને કૃષિ માર્કેટ તરીકે વિકસાવવા માટે જે અવરોધો છે એ દૂર કરવા જોઈશે. મનમોહનસિંહે કહ્યું હતું કે ખેડૂતને પોતાની પેદાશ વેચવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

આખો દેશ એક સમાન કૃષિ બજાર બને એ માટે પણ  મનમોહનસિંહે પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. એ વાત રજૂ કરી વડાપ્રધાને આ સુધારા ખેડૂતના પક્ષમાં જ છે અને દરેક સરકાર સુધારા દાખલ કરવા પ્રયત્નશીલ હતી એમ કહ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસે એ વાતે ગર્વ લેવો જોઈએ કે જે વાત મનમોહનસિંહે કહી હતી એ મોદીને કરવી પડે છે.

તેમણે કહ્યું હતું કે જે પક્ષો વિરોધ કરે છે એમણે પણ પોતાના રાજ્યોમાં આ કાયદાનો અડધો-પડધો અમલ કર્યો છે. વિપક્ષોને કાયદા સામે નહીં, પોતાને પૂછ્યા વગર કાયદા લાવ્યા તેની સામે વાંધો છે. એવું તો પરિવારમાં લગ્ન હોય ત્યારે પણ બને. ફોઈ રિસાઈ જાય કે મને ક્યાં લગ્નમાં તેડાવી છે.

તેમણે કહ્યુ હતુ કે દેશમાં નવો આંદોલનજીવી વર્ગ પેદા થયો છે. જે દરેક આંદોલનમાં ભાગ લે છે કેમ કે તેમની આજીવીકા આંદોલન પર જ આધારીત છે. વકીલ હોય કે ખેડૂત હોય, મજૂર હોય કે વિદ્યાર્થી હોય દરેક આંદોલન સ્થળે એ હાજર હોય છે. દેશે આવા આંદોલનજીવી લોકોથી બચવુ જોઈએ. કેમ કે એમનું કામ તો જ્યાં આંદોલન ચાલે ત્યાં જઈ બેસવાનું છે. આંદોલનજીવી લોકો પરજીવી છે એટલે કે બીજા પર તેમનું જીવન આધારીત છે. 

ખેડૂત આંદોલનને વિદેશમાંથી સમર્થન આપનારાઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે 'ભારતે આ એફડીઆઇ એટલે ે ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજીથી બચવાની જરૂર છે.' બાકી ખેડૂતો સાથે ચર્ચા ચાલુ છે, ચાલુ રહેશે. વૃદ્ધ લોકો આંદોલન સ્થળે બેસી રહે એ ઠીક નથી. તેમને ઘરે મોકલી થોડા લોકો પોતાનું આંદોલન ચાલુ રાખે. સરકાર એ માટે ચર્ચા કરવા હંમેશા ઉપલબ્ધ હતી, રહેશે.

તેમણે કહ્યું હતું કે ખેડૂત સુધારામાં જ્યાં કમી હશી એ પુરી કરાશે, સુધારા થશે, પણ એક વખત તેનો અમલ તો થવા દો. ભારતે અત્યારે કૃષિ સુધારા કરવાની તક છે અને સમય પણ છે. તેમણે કહ્યું હતું કે શીખોને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. તેમણે દેશ માટે ઘણુ કર્યું છે. દેશ તેમનો સદાય ઋણી રહેશે. કેટલાક લોકો અમુક શીખોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

અગાઉની સરકારોએ ખેડૂત યોજનાના નામે નાના ખેડૂતોને વિવિધ યોજનાઓથી વંચીત રાખ્યા હતા. એ વાતની પણ તેમણે ટીકા કરી હતી. પણ ખેડૂતો માટે સપ્લાય ચેઈન અગાઉની સરકારોએ બનાવી છે, એ સારી વાત છે.

તેમણે ઉદાહરણ આપ્યું હતું કે ડેરીવાળો દૂધ વેચે એટલે કંઈ ખેડૂતના પશુ પર કબજો કરી નથી લેતો. એ રીતે ખેડૂતો પેદાશ વેચે તો કંઈ તેની જમીન પર કોઈ કબજો જમાવી નહીં લે. ભારત સૌથી મોટુ લોકતંત્ર છે, એવી ઓળખ પરદેશે આપી. એ ઓળખ સારી છેે, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારત લોકશાહીની માતા છે.  

કોરોનામાં ભારતમાં વિક્રમજનક વિદેશી રોકાણ આવી રહ્યું છે. ભારત જગત માટે આશાનું કિરણ બની રહ્યું છે.  તેમણે કહ્યું હતું કે આખી દુનિયામાં દરેક દેશ પાસે સમસ્યા છે. પણ લોકોએ નક્કી કરવાનું છે કે સમસ્યાનો ભાગ બનવું કે પછી સમાધાનનો ભાગ બનવું? 

કોરોના સામેની લડાઈ જીતવાનો યશ સમગ્ર હિન્દુસ્તાનને જાય છે

તેમણે કહ્યું હતું કે કોરોના સંકટ સામે કેમ લડવું તેની કોઈને ખબર ન હતી. એ સમયે સરકારને જે મતિ સુઝી એ પ્રમાણે કામ કર્યું. તેનું ગૌરવ લેવાને બદલે ટીકા કરવાની કેટલાક લોકોને મજા આવે છે.

ભારતે બહુ ટુંકા સમયમાં રસી તૈયાર કરી અને પહોંચાડી છે. એક સમયે પોલીયોની રસી માટે લાઈનમાં ઉભવું પડતું હતું, તેની સામે આજે ભારતમાં જગતનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ભારત માટે આખુ વિશ્વ ચિંતિત હતું કે જો ભારતમાં કોરોના કાબુમાં નહીં આવે તો આખું જગત મુશ્કેલીમાં મુકાશે.

એટલું નહીં ભારતમાં પણ ડરામણી વાતો થઈ. કેમ કે કોરોના અજાણ્યો દુશ્મન હતો. પણ ભારતે આ અજાણ્યા દુશ્મન સામે બચવાનો રસ્તો બનાવ્યો અને નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા. કોરોના સામેની લડાઈ જીતવાનો યશ કોઈ સરકાર કે કોઈ એક વ્યક્તિને નથી જતો.. પણ હિન્દુસ્તાને તો જાય છે. દરેક પરિવારની મહિલાઓએ કોરોના કાળમાં સૌથી કઠીન ભૂમિકા નીભાવી છે, માટે તેમનો હું આભારી છું. 

ગુલામનબીની પ્રસંશા કરી એક કાંકરે અનેક પક્ષી માર્યા

વડા પ્રધાને ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશા સૌમ્યતાથી બોલે છે, કટુ શબ્દો વાપરતા નથી. સૌએ તેમનામાંથી શીખવું જોઈએ. કોંગ્રેસમાં ગુલામનબી રાહુલ-સોનિયા ગાંધી વિરોધી છાવણીના છે. કોંગ્રેસમાં તેમનું કદ ઓછું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવા સમયે ગુલામનબીના વખાણ કરી મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા હતા. તેનાથી કોંગ્રેસ નારાજ થાય, જ્યારે ગુલામનબી રાજી થયા હતા. મોદીએ એમ પણ કહ્યું હતું મારા વખાણને તમારો પક્ષ સાચા અર્થમાં સમજશે એવી આશા છે. 

વડા પ્રધાનની આત્મનિર્ભર કવિતા

અવસરની વાત કરતાં તેમણે હિન્દીના મહાકવિ મૈથીલીશરણ ગુપ્તની કવિતા ટાંકી હતી : 'અવસર તેરે લીયે ખડા હે, ફીર ભી તુ ચૂપચાપ પડા હૈ, તેરા કર્મક્ષેત્ર બડા હૈ, પલ પલ હે અનમોલ, અરે ભારત ઉઠ, આંખે ખોલ..' પંક્તિ ટાંકીને અટકવાને બદલે તેમણે કહ્યું હતું કે જો આજે મૈથિલીશરણ હોત તો શું લખ્યું હોત, એમ કહી તેમણે પોતાની કવિતા રજૂ કરી હતી : 'અવસર તેરે લીયે ખડા હે, તુ આત્મવિશ્વાસ સે ભરા પડા હે, બર બાધા, હર બંદીશ કો તોડ, અરે ભારત આત્મનિર્ભરતા કે પથ પર દોડ!' એ રીતે તેમણે પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી. 

કોંગ્રેસ-તૃણમુલ સામે શબ્દોના બાણ

ડેરેક ઓબ્રાયને પોતાના ભાષણમાં દેશમાં ફ્રીડમ ઓફ સ્પીચ નથી, ધાકધમકી અપાય છે, વગેરે મુદ્દા ઉઠાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે ઓબ્રાયને ભારેખમ શબ્દો પ્રયોજ્યા તો ખરા પણ એ દેશ માટે હતા કે બંગાળ માટે? એમ કહીને તેમણે મેણુ માર્યુ હતુ. તો વળી કોંગ્રેસી નેતા પ્રતાપસિંહ બાજવાના ભાષણ અંગે મોદીએ કહ્યું હતું કે તેઓ વાત બહુ લાંબી લાંબી કરતા હતા એટલે મને એમ થયું કે હવે હમણાં કટોકટી (1984) સુધી પહોંચી જશે. પણ ન પહોંચ્યા. કોંગ્રેસ વર્ષોથી દેશને નિરાશ કરે છે, તમે પણ નિરાશ કર્યા.

ચાર લાખ કરોડનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન

ભારતમાં દર મહિને ચાર લાખ કરોડની લેવડ-દેવડ ઓનલાઈન-યુપીએના માધ્યમથી થઈ રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલા જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વાત આવી ત્યારે આ જ સદનમાં અનેક લોકોએ ટીકા કરી હતી કે લોકો પાસે મોબાઈલ ક્યાં છે, ફલાણું ક્યાં છે? ઢીંકણું ક્યાં છે?