×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતો ઊભો પાક સળગાવવા તૈયાર રહે, બંગાળમાં પણ ટ્રેક્ટરો લઈ જઈશું : ટિકૈત


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૮

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદે લગભગ ત્રણ મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગુરુવારે ચાર કલાક માટે 'રેલ રોકો' આંદોલનની જાહેરાત કરી હતી, જેના ભાગરૃપે પંજાબ, હરિયાણા સહિત દેશના અનેક ભાગોમાં ખેડૂતોએ રેલપરીવહન અટકાવી દીધું હતું. ખેડૂતોએ દેશવ્યાપી આંદોલન સફળ રહ્યું હોવાનો દાવો કર્યો હતો જ્યારે રેલવે મંત્રાલયે ટ્રેનોના પરીવહન પર સામાન્ય અસર થઈ હોવાનું કહ્યું હતું. બીજીબાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, કેન્દ્ર એવી કોઈ ગેરસમજમાં ના રહે કે પાકની કાપણી માટે ખેડૂતો પાછા જતા રહેશે. અમને મજબૂર કરાશે તો અમે ખેતરોમાં ઊભો પાક સળગાવી દઈશું. ખેડૂતો તેમના પાકનું બલિદાન આપવા માટે તૈયાર છે. વધુમાં અમે અમારા ટ્રેક્ટરો બંગાળમાં પણ લઈ જવા તૈયાર છીએ.

ખેડૂતોના ગુરુવારે રેલ રોકો આંદોલનના પગલે રેલવે મંત્રાલયે તકેદારીના ભાગરૃપે અનેક ટ્રેનોને સ્ટેશનો પર  અટકાવી દીધી હતી જ્યારે વિવિધ રેલવે માર્ગો પર ટ્રેનોનું પરીવહન સામાન્ય રહ્યું હતું. આંદોલન કરી રહેલા ખેડૂતોના મુખ્ય સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ગુરુવારે બપોરે ૧૨થી સાંજે ૪.૦૦ સુધી રેલ લોકો આંદોલનની જાહેરાત કરી હતી. પરિણામે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ખેડૂતો ટ્રેક પર બેસી ગયા હતા. પંજાબ અને હરિયાણામાં ખેડૂતોએ કેટલાક માર્ગો પર ટ્રેનોનું પરીવહન ચાર કલાક માટે અટકાવ્યું હતું. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ખેડૂતોએ કેટલાક સ્થળે દેખાવો કર્યા હતા. જોકે, અનેક રાજ્યોમાં ટ્રેનોના પરિવહન પર વિશેષ અસર જોવા મળી નહોતી.

અખિલ ભારતીય કિસાન સભાએ તેમના ગુરુવારના આંદોલનને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, મધ્ય પ્રદેશ, બિહાર, કર્ણાટક અને તેલંગાણામાં કેટલાક ખેડૂત કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. બીજીબાજુ રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોઈપણ અનિચ્છનિય બનાવો વિના ખેડૂતોની રેલ રોકો ચળવળ પૂરી થઈ ગઈ હતી અને સમગ્ર દેશમાં ટ્રેનોના પરીવહન પર તેની સામાન્ય અસર થઈ હતી. સમગ્ર દેશમાં સાંજે ૪.૦૦ વાગ્યે ચળવળ પૂરી થયા પછીના એક કલાકમાં ટ્રેનોનું પરિવહન સામાન્ય થઈ ગયું હતું.

ખેડૂતોના આંદોલનના કારણે રેલવેએ ૨૫ ટ્રેનોને અટકાવી દીધી હતી. રેલવે પ્રવક્તાએ કહ્યું કે મોટાભાગના ઝોનમાં ખેડૂતો દ્વારા ટ્રેન અટકાવાઈ હોવાનો એક પણ કેસ નોંધાયો નથી. કેટલાક રેલવે ઝોનના કેટલાક વિસ્તારોમાં કેટલીક ટ્રેનો અટકાવાઈ હતી. રેલવેએ સમગ્ર દેશમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આરપીએસએફની ૨૦ વધારાની કંપનીઓ નિયુક્ત કરી હતી.

દરમિયાનમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હરિયાણાના હિસાર જિલ્લાના ખરકપુનિયોમાં ખેડૂત મહાપંચાયત યોજતાં મોદી સરકારને ચેતવણી આપી હતી કે, કેન્દ્ર સરકારે એવી કોઈ ગેરસમજ ન રાખવી જોઈએ કે ખેડૂતો બે મહિનામાં પાકની કાપણી માટે પાછા જતા રહેશે. અમને મજબૂર કરાશે તો અમે ખેતરમાં ઊભો પાક સળગાવી દઈશું. પાકના ભાવ વધતા નથી પરંતુ ઈંધણના ભાવ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે સ્થિતિ બરબાદ કરી નાંખી છે. જરૃર પડશે તો અમે અમારા ટ્રેક્ટર પશ્ચિમ બંગાળમાં પણ લઈ જઈશું. ત્યાં પણ ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા.

તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, અમારું આગામી લક્ષ્ય ૪૦ લાખ ટ્રેક્ટરોનું છે. અમે સમગ્ર દેશમાં ૪૦ લાખ ટ્રેક્ટરો એકઠા કરીશું. આ ટ્રેક્ટરો ફરી દિલ્હી જઈ શકે છે. આ વખતે હળ ક્રાંતિ થશે. સરકાર ખેડૂતોની ધીરજની કસોટી કરી રહી છે. કૃષિ કાયદા પરત ન ખેંચાય ત્યાં સુધી ખેડૂતો ક્યાંય નહીં જાય તેમ રાકેશ ટિકૈતે કહ્યું હતું.