×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોનું આજે રેલ રોકો આંદોલન, રેલવેના વધુ 20 હજાર જવાન તૈનાત

- અમિત શાહે આંદોલનવાળા રાજ્યોના નેતાઓ સાથે બેઠક કેમ યોજી?, સરકારને નિરાકરણમાં રસ જ નથી : ખેડૂત સંગઠનો

- દિલ્હીમાં 26મીની ટ્રેક્ટર પરેડમાં તલવારબાજી કરનાર, સિંઘુ બોર્ડર પર એચએસઓ પર હુમલો કરનારાની ધરપકડ



નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો અઢી મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ દેશભરમાં ૧૮મી તારીખે રેલ લોકો અભિયાનની જાહેરાત કરી હતી. જેને પગલે ગુરુવારે અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે ટ્રેનોને રોકવામાં આવશે. ખેડૂતોના આ એલાનને ધ્યાનમાં રાખીને આરપીએસએફની વધારાની ૨૦ કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. રેલ રોકો આંદોલનની સૌથી વધુ અસર હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં જોવા મળી શકે છે. જેને પગલે આ રાજ્યોમાં મોટી સંખ્યામાં પોલીસ અને રેલવે પોલીસના કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો છે. 

ખેડૂતો દ્વારા બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ટ્રેનોને રોકવામાં આવશે. જોકે દિલ્હીમાં ૪૦ સંગઠનો દ્વારા ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેના મુખ્ય સંગઠન કિસાન સંયુક્ત મોર્ચાએ જાહેરાત કરી છે કે રેલ રોકો અભિયાન દરમિયાન કોઇ પણ વ્યક્તિ દ્વારા હિંસા નહીં આચરવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે જ પ્રદર્શન કરવામાં આવશે. બીજી તરફ ખેડૂતોના એલાનને પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે કહ્યું હતું કે અમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરપીએસએફની ૨૦ કંપનીઓના આશરે ૨૦ હજાર જેટલા જવાનોને તૈનાત કર્યા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઇનપૂટ પણ લેવામાં આવી રહ્યા છે. અહીં કન્ટ્રોલ રુમ પણ ઉભા કરાયા છે. 

હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામસિંહે કહ્યું છે કે જ્યાં સુધી અમારી જીત ન થાય ત્યાં સુધી આ આંદોલન પરત નહીં લઇએ, કેન્દ્ર સરકારના આ કૃષિ કાયદાથી ખેતી અને ખેડૂતોને કેટલુ નુકસાન થવાનું છે તે અંગેની જાણકારી આપવા માટે દેશભરમાં પંચાયત અને મહાપંચાયતોનું આયોજન કરવામાં આવશે. હાલમાં જ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ખેડૂતોની મોટી સંખ્યામાં મહાપંચાયતો મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં આંદોલન વધુ ઉગ્ર રીતે ચાલી રહ્યું છે તે રાજ્યોના નેતાઓ પણ સામેલ થયા હતા તેવા અહેવાલો છે.  આ બેઠકને ટાંકીને હવે સંયુક્ત કિસાન મોર્ચાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર ગમે તેમ કરીને ખેડૂતોના આંદોલનને કચડવા માગે છે. સરકારને ખેડૂતોની માગણીઓના નિરાકરણમાં કોઇ જ રસ નથી.

બીજી તરફ ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી, આ મામલામાં દિલ્હી પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. ૩૦ વર્ષીય મનિંદરનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં એક સ્થળે બન્ને હાથમાં તલવાર લઇને તેને હમણતો જોવા મળી રહ્યો છે. પોલીસે મનિંદર પર લોકોને હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી ધરપકડ કરી છે. દરમિયાન સિંઘુ બોર્ડર પર આંદોલનમાં સામેલ એક વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી, તેના પર સ્થાનિક એસએચઓ પર હુમલો કરવાનો આરોપ છે.