×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોનું આજે ભારત બંધનું એલાન રસ્તા-રેલ ટ્રાફિક ખોરવાય તેવી આશંકા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૫

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, દેશમાં ખેડૂત આંદોલનને ૧૨૦ દિવસ પૂરા થઈ રહ્યા હોવાથી બીજા ભારત બંધનું એલાન કરાયું છે. દેશમાં શુક્રવારે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ભારત બંધ કરાશે. જોકે, ચૂંટણીવાળા રાજ્યો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં બંધનો અમલ કરવામાં નહીં આવે. કોંગ્રેસ, ડાબેરી મોરચા સહિતના વિરોધ પક્ષોએ બંધને સમર્થન આપ્યું છે.

સવારે ૬.૦૦થી સાંજે ૬.૦૦ સુધીના ભારત બંધમાં દુકાનો, બજારો, મોલ બંધ રખાશે : રસ્તા-રેલવે ટ્રેક પર ટ્રાફિક જામ કરાશેસંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હીની ફરતે સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર કૃષિ કાયદા પાછા ખેંચવા અને લઘુત્તમ ટેકાના ભાવને કાયદાકીય સમર્થન આપવાની માગમી સાથે આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ અગાઉથી ૨૬મી માર્ચે ભારત બંધ અને ૨૮મી માર્ચે હોળીના દિવસે નવા કૃષિ કાયદાની નકલો સળગાવવાની જાહેરાત કરી હતી. 

વેપારી સંગઠન સીએઆઈટીનો બંધમાં જોડાવા ઈનકાર

સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે તેમના ભારત બંધને રાજકીય પક્ષો ઉપરાંત દેશના તમામ ખેડૂત સંગઠનો, મજૂર સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો, બાર સંઘ અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓનું સમર્થન છે. ભારત બંધની આ હાકલમાં ખેડૂતોની સાથે દુકાનો, બજારો બંધ રાખવામાં આવશે. જોકે, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ભારત બંધમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. દેશમાં આઠ કરોડથી વધુ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠને જણાવ્યું હતું કે, શુક્રવારે સમગ્ર દેશમાં બજારો ખુલ્લા રહેશે. અમે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સર્જાયેલી મડાગાંઠ ચર્ચા મારફત ઉકેલાય તેમ ઈચ્છીએ છીએ.

સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, ભારત બંધ દરમિયાન રેલવે અને બધા જ રસ્તાઓ પર ટ્રાફિક જામ કરવાની તેમની યોજના છે. વધુમાં દરેક પ્રકારની દુકાનો, ડેરી, મોલ, બજારો વગેરે બંધ રાખવામાં આવશે. જાહેર સ્થળોને પણ બંધ રખાશે. જોકે, કોઈ કંપની અથવા ફેકટરીઓ, પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર જેવી જરૃરિયાતની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.

બંધ દરમિયાન સરકારના પૂતળા બળાશે : ખેડૂત સંગઠન

દેશમાં ૧૨૦ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમના તરફ કોઈ ધ્યાન આપતી નથી. પરીણામે આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા શુક્રવારે ભારત બંધની હાકલ કરાઈ છે. બંધના સમય દરમિયાન ખેડૂતો અને વિવિધ સંગઠનો સરકાર વિરુદ્ધ દેખાવો કરશે. નવા કૃષિ કાયદા અને સરકારના પૂતળા પણ બાળવામાં આવશે. આ અગાઉ સંયુક્ત કિસાન મોરચાએ જાહેર કરેલો દેશવ્યાપી બંધ ત્રણ કલાકનો જ હતો. તેથી સામાન્ય જનજીવન પર તેની કોઈ અસર પડી નહોતી.

સંયુક્ત કિસાન મોરચાએ લોકોને પણ બંધમાં જોડાવા અપીલ કરી છે. ખેડૂત નેતા દર્શનપાલે કહ્યું કે, અમે દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે તેઓ ખેડૂતોના સન્માનમાં શુક્રવારના બંધમાં જોડાઈને તેને સફળ બનાવે. સંયુક્ત કિસાન મોરચાએ આ બંધ સફળ બનાવવા માટે સ્થાનિક નેતાઓને ગામે-ગામ જઈને મોટી સંખ્યામાં લોકોને જોડવા અપીલ કરી છે. શહેરોમાં દુકાનદારોને પણ તેમની દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ છે.

૮મી ડિસેમ્બરે પણ ભારત બંધનું એલાન કરાયું હતું

આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે ૧૧ રાઉન્ડની વાટાઘાટો થઈ હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. સંયુક્ત કિસાન મોરચાએ અગાઉ ૮મી ડિસેમ્બરે પણ ભારત બંધની જાહેરાત કરી હતી. તે સમયે દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને આસામમાં બંધની આંશિક અસર જોવા મળી હતી.