×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોનું આજે દેશભરમાં રેલવે રોકવાનું આહ્વાન, મોરચાએ કહ્યું શાંતિપૂર્ણ રહેશે વિરોધ


- ટિકૈતે સિંધુ બોર્ડર ખાતેની ઘટનાને સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર, 2021, સોમવાર

સંયુક્ત ખેડૂત મોરચા દ્વારા સોમવારે દેશવ્યાપી રેલ રોકો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલી છે. 18મી ઓક્ટોબરની સવારે 10:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા દરમિયાન 6 કલાક સુધી રેલ પરિવહનને બાધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેલવેની સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવાની મોરચાએ સ્પષ્ટતા કરી છે તથા તમામ સંગઠનોને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વિરોધ કરવાની વિનંતી કરવામાં આવેલી છે. આ તરફ ભારતીય રેલવેની સાથે જ પોલીસ પ્રશાસને ખેડૂતોના આહ્વાનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી લીધી છે. 

લખીમપુર ખેરી ખાતે ખેડૂતોના મૃત્યુ મામલે ન્યાય અને કેન્દ્રીય રાજ્ય મંત્રીને બરતરફ કરવા સહિતની અન્ય માગણીઓના સમર્થનમાં ખેડૂતોએ સોમવારે રેલ રોકો કાર્યક્રમની જાહેરાત કરી છે. લખીમપુર ખેરી ખાતેની ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા ખેડૂતોની અસ્થિઓ સાથે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના અન્ય રાજ્યોમાં કળશ યાત્રાઓ યોજવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિરોધ અંતર્ગત દેશભરના ટોલ પ્લાઝા, કોર્પોરેટ મોલ અને પેટ્રોલ સ્ટેશનો પર તથા ભાજપના નેતાઓના આવાસની બહાર પાક્કા મોરચાઓ બનાવવામાં આવ્યા છે. 

આ તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર લાંબા સમયથી આંદોલનનો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહી છે. સિંધુ બોર્ડર ખાતે જે પણ કશું બન્યું તેના પાછળ સરકારનો જ હાથ છે. સરકારે અમારા આંદોલન અને સિંધુ બોર્ડરની ઘટનાને સાથે જોડીને ન જોવી જોઈએ. સરકાર કોઈ પણ સમયે સરહદ પરનો માહોલ ખરાબ કરી શકે છે. ટિકૈતે સિંધુ બોર્ડર ખાતેની ઘટનાને સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું.