×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોના આંદોલનનો આજે 100મો 'બ્લેક ડે', એક્સપ્રેસવેને જામ કરાશે


ખેડૂતોનું આંદોલન ભારતનો આંતરીક મામલો : બ્રિટન, સોમવારે બ્રિટિશ સંસદમાં 90 મિનિટ સુધી ચર્ચા થશે

નવી દિલ્હી, તા. 5 માર્ચ, 2021, શુક્રવાર

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 100મો દિવસ થશે. આ સિૃથતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી દીધી છે.

આગામી દિવસોમાં ગરમીઓ વધશે, એવામાં દિલ્હી સરહદે આંદોલન પર બેઠેલા ખેડૂતોએ ગરમીનો સામનો કરવાની પણ તૈયારી કરી લીધી છે. અને કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં આંદોલન પાછુ નહીં લેવાય, સરકારે કાયદા પરત લેવા જ પડશે. સાથે જ હવે 100 દિવસ પુરા થઇ રહ્યા હોવાથી છ કલાક સુધી કેએમપી એક્સપ્રેસવેને જામ કરી દેશે.  

બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા પ્રમુખ અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે તેઓ હવે દેશના દરેક રાજ્યમાં ખેડૂતોની સભાઓ, મહાપંચાયતો યોજશે. હાલ હરિયાણા, રાજસૃથાન, ઉત્તર પ્રદેશમાં આવી અનેક મહાપંચાયતોને સંબોધનારા રાકેશ ટિકૈત હવે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ જવાના છે.

ટિકૈતે કહ્યું છે કે તેઓ કૃષિ કાયદાઓની જે અસર થવાની છે તે અંગે લોકોમાં જાગરૂક્તા ફેલાવવા માટે પશ્ચિમ બંગાળમાં 12-13 માર્ચે મહાપંચાયત કરશે. જે દરમિયાન યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બલબીરસિંહ રાજેવાલ સહિતના ખેડૂત નેતાઓ પણ તેમાં જોડાશે. હાલમાં જ સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેરાત કરી હતી કે તે જે પણ રાજ્યોમાં ચૂંટણી યોજાશે ત્યાં ખેડૂતોની મહાપંચાયત કરશે. 

શનિવારે છ માર્ચે ખેડૂતોના આ આંદોલનને 100 દિવસ થવા જઇ રહ્યા છે. છ માર્ચને બ્લેક ડે તરીકે મનાવવામાં આવશે સાથે જ ખેડૂતો શનિવારે સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુંડલી-માનેસર-પાલવાલ કેએમપી એક્સપ્રેસ વે પર જામ કરી દેશે.

આંદોલન સૃથળોએ ગરમીથી રક્ષણ મેળવવા કૂલર, પંખા જેવી સુવિધાઓ ઉભી કરાઇ રહી છે. આ ઉપરાંત શેરડીનો રસ, પીવાનું ઠંડુ પાણી, છાત સહિતની વ્યવસૃથા પણ કરાઇ રહી છે. ખેડૂતો આ આંદોલનને આગામી દિવસોમાં પણ શરૂ રાખવાની પુરી તૈયારીમાં છે. ખેડૂતોની જાહેરાતને ધ્યાનમાં રાખીને હાલ સિંઘુ ટોલ પ્લાઝાને પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.  

દરમિયાન બ્રિટનમાં સાંસદો ભારતના ખેડૂતોની સમસ્યાઓ, ધરણા પ્રદર્શન તેમજ અભિવ્યક્તિ અને પ્રેસની આઝાદી પર ચર્ચા કરશે. એક પિટિશનને એક લાખથી વધુ લોકોની સહી મળી હતી જેને પગલે આ ચર્ચા સોમવારે થવા જઇ રહી છે.

જોકે તે પહેલા બ્રિટન સરકારે કહ્યું છે કે ભારતમાં ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તે ભારતનો આંતરીક મામલો છે અને તેનો નિકાલ પણ તેણે જ લાવવાનો છે. બ્રિટનના હાઉસ ઓફ પાર્લામેન્ટના લંડન સિૃથત કોમ્પ્લેક્સમાં 90 મિનિટ સુધી ભારતીય ખેડૂતોની સમસ્યાઓ અને આંદોલન પર ચર્ચા થશે. જેમાં આંદોલનકારી ખેડૂતોની સુરક્ષા મુખ્ય મુદ્દો રહે તેવી શક્યતા છે.