×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ખાલી કરાવવામાં આવે સિંધુ બોર્ડર', દલિત યુવકની હત્યાનો કેસ પહોંચ્યો સુપ્રીમમાં, અરજી દાખલ


- દલિત શખ્સ યુવકની હત્યા મામલે એક નિહંગે પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર, 2021, શનિવાર

સિંધુ બોર્ડર પર 35 વર્ષીય દલિત યુવક લખબીર સિંહની હત્યા અને પછી તેના મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી તે કેસ હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને તેમાં સિંધુ બોર્ડરને ખાલી કરાવવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા એક વર્ષથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદોએ આંદોલન કરી રહ્યા છે. તેમાં એક સિંધુ બોર્ડર પણ છે જ્યાં શુક્રવારે એક શખ્સનું શબ બેરિકેડ સાથે લટકતું મળી આવ્યું હતું. 

લખબીર સિંહની હત્યા મામલે વકીલ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. શુક્રવારે સાંજે તેમણે સર્વોચ્ય અદાલતમાં અરજી દાખલ કરીને શક્ય તેટલી ઝડપથી આ કેસની સુનાવણીની માગણી કરી હતી. આ સાથે જ અરજીમાં સિંધુ બોર્ડરને પણ જલ્દી ખાલી કરાવવાની માગણી કરવામાં આવી હતી. 

ખેડૂત આંદોલનના મંચ પાસેથી દલિત શખ્સ લખબીર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પંજાબના તરન-તારન જિલ્લાનો રહેવાસી હતો. તેને 3 દીકરીઓ છે જે પોતાની માતા સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા વિવિધ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક વખત સુનાવણી થઈ ચુકી છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના ખેડૂતો સાથે સંકળાયેલા 'કિસાન મહાપંચાયત' નામના સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, તમે ટ્રેનો રોકી રહ્યા છો, હાઈવે બંધ કરી રહ્યા છો, શું શહેરી લોકો તેમનો ધંધો બંધ કરી દે, શું આ લોકો શહેરોમાં તમારા ધરણાંથી ખુશ હશે? કોર્ટે આગળ કહ્યું હતું કે, તમે લોકો આખા શહેરને અવરોધી રહ્યા છો, અને હવે તમે શહેરમાં ઘૂસીને પ્રદર્શન કરવા માગો છો. તમે કૃષિ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છો, તેનો મતલબ કે તમને કોર્ટ પર ભરોસો છે. તો પછી વિરોધ પ્રદર્શનની શું જરૂર છે?

દલિત શખ્સ યુવકની હત્યા મામલે એક નિહંગે પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે. નિહંગ સરવજીત સિંહે કરેલા દાવા પ્રમાણે તેણે જ હત્યા કરી હતી. મૃતક યુવકે ધાર્મિક ગ્રંથની બેઅદબી કરી હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી.