×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રૂડ હવે 116ને પાર, પુરવઠો તંગ


- રશિયા-યુક્રેન વોરના પગલે  વૈશ્વિક અર્થતંત્ર ભીંસમાં

- ક્રૂડની તેજીને ઠારવા અમેરિકા સહિતના 31 દેશોએ છ કરોડ બેરલ્સનો  જથ્થો  છૂટ્ટો કર્યો: ઓપેકે ઉત્પાદન  વધારવા નિર્ણય કર્યો : આમ છતાં તેજીની આગેકૂચ!

વૈશ્વિક બજારમાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. રશિયા ઉપર આ હુમલાના કારણે મુકવામાં આવેલા પ્રતિબંધથી ડરેલા ક્રૂડ ખરીદનારા રશિયન ક્રૂડ સસ્તું હોવા છતાં દૂર રહે છે. રશિયા  વિશ્વમાં ક્રૂડ નો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. 

ગુરુવારે વહેલી સવારે બ્રેન્ટ ક્રૂડ ૧૧૬ ડોલરની સપાટી ઉપર હતું જ્યારે અમેરિકન ક્રૂડ ૧૧૩ ડોલર હતું. આ સામે રુસાલ ક્રૂડ કે જે રશિયન વરાઈટી છે તે ૯૮ ડોલર પ્રતિ બેરલ મળી રહ્યું હતું.

ક્રૂડના ભાવ વધતા ભારત અને અન્ય આયાત ઉપર નિર્ભર દેશોમાં મોંઘવારીનો ખતરો ઉભો થયો છે. ભારતમાં તા.૨ ડિસેમ્બર પછી, વિધાનસભાની ચૂંણીઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. આ ત્રણ મહિનામાં ક્રૂડના ભાવ ૪૭ ટકા વધી ગયા છે. એટલે સ્થાનિક બજારમાં તોતિંગ ભાવ વધારો આવી શકે છે.

રશિયા-યુક્રેનના  યુદ્ધના પગલે  આ બન્ને દેશોમાં તો  મોટી  ખુવારી થઈ છે પરંતુ યુદ્ધના  પ્રત્યાઘાતોથી પણ વિશ્વના  વિવિધ  દેશો પર  આર્થિક ભીંસના  સ્વરૂપમાં  પડયા છે. વિશ્વના  બધા દેશો સામે  હવે સૌૈથી મોટો પડકાર ઊભો થયો છે ક્રૂડતેલના  ઉછળતા ભાવોનો  અને તેના  પગલે રેકોર્ડ  ગતિએ વધતા ફુગાવાનો એવું વૈશ્વિક  તજજ્ઞાોએ  જણાવ્યું હતું. યુદ્ધના પગલે  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ આજે  વધુ ઉછળી ઉંચામાં બેરલદીઠ  ૧૧૪ ડોલર નજીક પહોંચી  જતાં વ્યાપક  ચકચાર  જાગી છે. 

ક્રૂડના આ ભાવ ૮ વર્ષની ટોચે છે પણ  ભારતમાં  હાલ ચૂંટણીનો માહોલ હોવાથી પેટ્રોલ તથા ડિઝલના ભાવ  સરકારે જાળવી રાખ્યા છે  પરંતુ ચૂંટણીમાં મતદાનનો જેવો છેલ્લો  દિવસ પૂરો થશે કે તુરંત દેશમાં  પેટ્રોલ-ડિઝલના ભાવ વધારી  દેવામાં આવશે એવી ભીતિ જાણકારો  બતાવી રહ્યા છે.  પેટ્રોલ-ડિઝલના  ભાવ પ્રથમ  તબક્કે લીટરના રૂ.૧૦થી ૧૨ વધી જવાની ભીતિ બતાવાઈ રહી છે. આમ થશે તો  મોંઘવારી આકરી બનશે, ફુગાવો ઉંચો જશે અને રિઝર્વ બેન્કે  વ્યાજ દર વધારવાની પણ ફરજ પડશે એવી ગણતરી બતાવાઈ રહી છે.

વિશ્વમાં  સાઉદી અરેબિયા પછી  ક્રૂડના સૌથી મોટા નિકાસકાર દેશમાં  રશિયા બીજા ક્રમે આવે છે  અને યુદ્ધના પગલે રશિયાનો  પુરવઠો ખોરવાઈ  જતાં વિશ્વ બજારમાં   ક્રૂડતેલના ભાવ  રેકોર્ડ ગતિએ ઉંચકાયા છે. આજે  બ્રેન્ટક્રૂડના  ભાવ બેરલના  ઉંચામાં  રૂ.૧૧૪ ડોલર નજીક પહોંચી ૧૧૨.૮૮ ડોલર રહ્યા હતા જ્યારે  ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધી  ૧૧૨.૫૧ થઈ ૧૧૧.૨૫ ડોલર રહ્યાના  નિર્દેશો હતા. 

ક્રૂડના ભાવ વધુ વધી  ૧૨૫થી ૧૩૦ ડોલર થવાની શક્યતા  વિવિધ ઈન્વેસ્ટમેન્ટ  બેન્કરો  બતાવી રહ્યા છે. ૨૦૦૮માં  ક્રૂડના ભાવ  ઉંચામાં  ૧૪૪થી ૧૪૫ ડોલરની રેકોર્ડ  ટોચે પહોંચ્યા હતા.  હવે રશિયા-યુક્રેનના વિવાદમાં  આ રેકોર્ડ તૂટી જવાની  તથા નવી ટોચ દેખાવાની ભીતિ તજજ્ઞાો બતાવી રહ્યા છે.

ક્રૂડની તેજીને કાબુમાં  રાખવા ઈન્ટરનેશનલ  એનર્જી  એજન્સી હેઠળના અમેરિકા  સહિતના   વિવિધ ૩૧ મેમ્બર  દેશોએ  પોતાના હસ્તક  રહેલા  વ્યુહાત્મક  સંગ્રહમાંથી  ૬ કરોડ બેરલ્સ ક્રૂડ તેલનો  જથ્થો   બજારમાં છૂટ્ટો કરવાનો નિર્ણય  કર્યો છે.  આ પૈકી  એકલા અમેરિકા દ્વારા  ૩ કરોડ બેરલ્સનોે  જથ્થો  છૂટ્ટો કરવામાં આવનાર છે.  આ નિર્ણય છતાં   વિશ્વ બજારમાં  ક્રૂડના  ભાવ ઉછળતાં  ખેલાડીઓ  સ્તબ્ધ  બન્યા હતા. ઓપેકના ક્રૂડ ઉત્પાદક  દેશોએ એપ્રિલ માટે  દૈનિક  ઉત્પાદન   વધુ ચાર લાખ  બેરલ્સ  વધારવાનો  પણ આજે  નિર્ણય કર્યો હતો. 

જોકે  બજારના સૂત્રોના જણાવ્યા   મુજબ ઓપેકના  દેશો જાહેર કરે છે તેટલા પ્રમાણમાં   ઉત્પાદન  વધારતા નથી! અધુરામાં પુરૂં  ભારતના  કરન્સી બજારમાં  રૂપિયા સામે  ડોલર ઉછળીરૂ.૭૫.૭૫  થઈ રૂ.૭૬ તરફ  ધસી રહ્યો હોવાથી  તેના કારણે  પણ ક્રૂડતેલની  ઈમ્પોર્ટ  કોસ્ટ ઊંચી  ગઈ છે, એવું  સૂત્રોએ જણાવ્યું  હતું. 

ક્રૂડ ઉછળતાં અમેરિકામાં ફુગાવો  વધી ૪૦ વર્ષની ટોચે  પહોંચી  ગયો છે. ત્યાં  આ મહિને  વ્યાજના દર  વધારવામાં  આવનાર  છે. બ્રિટને વ્યાજના દર ઓલરેડી વધારી દીધા છે.  ત્યાં ફુગાવો ૩૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે.  ભારતમાં પણ  હવે  ચૂંટણી પછી  પેટ્રોલ ડિઝલના  ભાવ ભડકે બળશે ત્યારે મોંઘવારી  કેટલી વધી જશે? એ વિચાર માત્રથી  જ જનતા  હાલ ચિંતીત જણાઈ છે. 

આવી સ્થિતિમાં  મતદાનના છેલ્લા દિવસ પૂર્વે  પેટ્રોલ પંપો પર ટેન્ક ફુલ કરવા ધસારો થવાની તથા લાઈનો લાગવાની  શક્યતા  બજારના  જાણકારો બતાવી રહ્યા છે. કોરોના વખતે ક્રૂડના ભાવ એક તબક્કે  નેગેટીવ માઈનસમાં જતા રહ્યા હતા અને હવે યુદ્ધના પગલે નવી ટોચ બતાવતા  થતાંં  પ્રવાહો  ઝડપથી પલ્ટાતા  જોવા મળ્યા  છે.