×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રૂઝ પાર્ટી ડ્રગ કેસઃ NCBને નથી મળ્યું કોઈ ડ્રગ્સ, મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકનો દાવો


- સાક્ષી હોવાના નાતે તેમને સાઈન કરવા માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવેલાઃ મનીષ ભાનુશાલી

નવી દિલ્હી, તા. 07 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

થોડા દિવસ પહેલા મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર એનસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો તે મામલે એક ભારે મોટો દાવો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કરેલા દાવા પ્રમાણે ભાજપના નેતા આ રેડનો હિસ્સો હતા. નવાબ મલિકે આ રેડને ફેક ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ દરોડામાં બોલિવુડ કિંગ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 

એનસીપી નેતા નવાબ મલિકે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, લક્ઝરી ક્રૂજ લાઈન પર એનસીબી દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો તે ફેક હતો. તે દરોડામાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ સામેલ હતો. આર્યન ખાન હાલ પણ એનસીબીની કસ્ટડીમાં જ છે. 

નવાબ મલિકના કહેવા પ્રમાણે ક્રૂઝ લાઈનર પરથી કોઈ પણ પ્રકારના ડ્રગ્સને જપ્ત નહોતું કરવામાં આવ્યું. એનસીબીનો ઉદ્દેશ્ય આ કેસમાં ધરપકડ કરવામાં આવી તે લોકોને ફસાવવાનો જ હતો. નવાબ મલિકે ક્રૂઝ પર જે દરોડો પડ્યો તેમાં ભાજપની સંલિપ્તતા તરફ ઈશારો કર્યો હતો. તેમણે ભાજપના નેતા આ રેડનો હિસ્સો હોવાનો આરોપ લગાવ્યો હતો. 

તેમણે જણાવ્યું કે, કેપી ગોસવી નામની એક વ્યક્તિ આર્યન ખાનને એનસીબીની ઓફિસમાં લાવતી જોવા મળી હતી. તેણે આર્યન સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. બાદમાં એનસીબી દ્વારા તે વ્યક્તિ એનસીબીનો હિસ્સો ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. તો એનસીબીએ એ વાતનો જવાબ પણ આપવો જોઈએ કે, તે વ્યક્તિ ત્યાં શું કરી રહી હતી અને તે આર્યન ખાનને એનસીબીની ઓફિસમાં લઈને કેમ આવી હતી?

અન્ય એક વીડિયોમાં મનીષ ભાનુશાલી નામનો શખ્સ અરબાઝ મર્ચન્ટને એનસીબીની ઓફિસમાં લાવતો જોવા મળ્યો હતો. મનીષ ભાનુશાલી ભાજપની કોઈ વિંગનો વાઈસ પ્રેસિડેન્ટ છે. ભાનુશાલીના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર તેમનો પીએમ મોદી, જેપી નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ સાથેનો ફોટો જોવા મળે છે. 

મનીષ ભાનુશાલીના કહેવા પ્રમાણે તેમને ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી થઈ રહી હોવાની જાણ થઈ હતી. તે આપણા દેશના યુવાનો પર અસર પાડી રહી હોવાથી તમામ દોષિતોને સજા મળવી જોઈએ જેથી ડ્રગ્સને બંધ કરવામાં મદદ મળી શકે. તેના આધાર પર તેમણે ઓફિસર્સને એપ્રોચ કર્યા. ઓફિસર્સે જો તે જાણકારી સાચી હશે તો ચોક્કસથી એક્શન લેવામાં આવશે તેમ કહેલું. સાક્ષી હોવાના નાતે તેમને સાઈન કરવા માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવેલા. તેઓ આરોપીને લઈને એનસીબી નહોતા ગયા પરંતુ તેમના સાથે ગયા હતા. ગોસવી તેમનો મિત્ર છે માટે સાથે હતો.