×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિપ્ટોકરન્સીના ટ્રેડર થઈ જાઓ એલર્ટ, તમારે ત્યાં ED-CBIના ગમે ત્યારે દરોડા પડી શકે છે

image : Envato 


કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સીને લઈને શરૂઆતથી કડક વલણ અપનાવી રહી છે. હવે આ અંગેના કાયદાને વધુ કડક બનાવાઈ રહ્યો છે. આ મામલે સરકારે આ પ્રકારની એસેટ્સમાં ટ્રેડિંગની અનેક પ્રવૃત્તિઓને મની લોન્ડરિંગના કાયદા હેઠળ લાવી દીધી છે. તેનો અર્થ એ થયો કે હવે આવી પ્રવૃત્તિઓ પર સરકારી એજન્સીઓની ચાંપતી નજર રહેશે.  

હવે ચાલશે કાયદાનો ડંડો 

એક તાજેતરની ગેજેટ નોટિફિકેશન અનુસાર આમ તો તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ જેને તમે ક્રિપ્ટોકરન્સીના નામે જાણો છો તેમાં ટ્રેડિંગની અનેક પ્રવૃત્તિઓ હવે મની લોન્ડરિંગ રોકથામ કાયદો (Prevention of Money Laundering Act) એટલે કે પીએમએલએના દાયરામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો આવનારા સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં કરાતી ટ્રેડિંગ ઈડી અને આઇટી જેવી તપાસ એજન્સીઓને તમારા પર ચાંપતી નજર રાખવા માટે મજબૂર કરશે. તમારા પર પણ આઈટી અને ઇડીના દરોડા પડે તો નવાઈ નહીં. 

અગાઉ પણ કડકાઈ કરાઈ હતી 

આવું પહેલી વાર નથી બન્યું જ્યારે સરકારે ક્રિપ્ટોકરન્સીને લઈને કડકાઈ કરી હોય. અગાઉ પણ અનેકવાર સરકાર અલગ-અલગ અવસરોએ અનેકવાર ક્રિપ્ટોકરન્સીને લઈને કડક વલણ અપનાવી ચૂકી છે. ગત વર્ષે બજેટમાં સરકારે ક્રિપ્ટોકરન્સીની લેવડ દેવડ દ્વારા થતી કમાણી પર 30 ટકા જેટલો ભારે ભરખમ ટેક્સ લાદી દીધો હતો. તેના પછી ગત વર્ષે જુલાઈમાં સરકારે ક્રિપ્ટોકરન્સી પર ૧ ટકા ટીડીએસ પણ લાગુ કરી દીધો હતો. 

ચાલુ સપ્તાહે આવી નોટિફિકેશન 

તાજેતરના ફેરફારની વાત કરીએ તો સરકારે 7 માર્ચે આ નોટિફિકેશન બહાર પાડી હતી. તેના પછી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ટ્રાન્સફર પીએમએલએના દાયરામાં આવશે. નોટિફિકેશન અનુસાર ડિજિટલ એસેટ્સની આપ-લે કે ધંધો કરનારા એકમ હવે રિપોર્ટિંગ એનટીટીઝ બની ગયા છે. હવે આવા એકમોએ બેંકો તથા પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરની જેમ રિપોર્ટિંગના માપદંડો અને કેવાયસી ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. મતલબ સાફ છે કે સરકાર દેશમાં ડિજિટલ એસેટ પર તેનું નિયંત્રણ વધારવા ઈચ્છે છે.