×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્યાંક હોસ્પિટલો ફુલ, ક્યાંક ખુલ્લા આકાશ નીચે સારવાર, વાયરલ ફીવરથી UP-MP-બિહારમાં હાહાકાર


- ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 90 કરતા વધારે લોકોના મોત જેમાં મોટા ભાગના બાળકો

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી શરૂ થયેલો રહસ્યમયી તાવનો કહેર હવે બિહાર અને મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયો છે. બિહારમાં કોરોનાની બીજી લહેરની માફક હોસ્પિટલો ફરીથી ફુલ થઈ ગઈ છે. એક બેડ પર 2-2 બાળકોની સારવાર થઈ રહી છે અને ગ્વાલિયરમાં પણ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં રહસ્યમયી તાવનો કહેર વ્યાપ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 90 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર ફિરોઝાબાદમાં જ અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે અને તેમાંથી મોટા ભાગના બાળકો છે. યુપીના 8 જિલ્લાઓમાં વાયરલ જેવા લક્ષણોવાળા આ તાવને લઈ ડરનો માહોલ છે. કાસગંજના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો લોકો બોગસ ડોક્ટરો પાસે સારવાર મેળવવા મજબૂર બન્યા છે અને તાવ ઉતારવા લિક્વિડ ચઢાવવામાં આવી રહ્યું છે. 

બિહારના આરા ખાતે પણ ધીમે-ધીમે વાયરલ તાવનો પ્રકોપ વધી રહ્યો છે. બાળકોમાં ભારે તાવ, ઉધરસ અને શ્વાસ ફુલાવાની ફરિયાદો જોવા મળી રહી છે અને દરરોજ આશરે 10-15 બાળકો બીમાર પડી રહ્યા છે. 

ઉત્તર પ્રદેશની બાજુમાં સ્થિત હોવાથી વાયરલ ફીવરે મધ્ય પ્રદેશમાં પણ પગપેસારો કર્યો છે. ગ્વાલિયરમાં વાયરલ ફીવરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસની સંખ્યા વધી રહી છે અને હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે.