×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોવિડ મૃત્યુ ઘટાડવામાં લોકડાઉન ખાસ અસરદાર નહીં! ફક્ત 0.2 ટકા મૃત્યુદર ઘટ્યાનો અભ્યાસમાં દાવો


- જાણકારોના કહેવા પ્રમાણે લોકડાઉનનો સમય અને અનપેક્ષિત પરિણામ મૃત્યુદરને પ્રભાવિત કરવામાં આશા કરતાં વધુ મોટી ભૂમિકા ભજવી શકે છે

નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

કોરોના વાયરસના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુને રોકવામાં લોકડાઉન ખાસ ઉપયોગી નથી બન્યું. તાજેતરના એક અભ્યાસમાં આ અંગેના સંકેત મળ્યા હતા. સંશોધકોના કહેવા પ્રમાણે અમેરિકા અને યુરોપમાં કોવિડ-19ના કારણે થતાં મૃત્યુને ઘટાડવામાં લોકડાઉનનો પ્રભાવ ઓછો કે સાવ નગણ્ય હતો. અભ્યાસ પ્રમાણે લોકડાઉનના કારણે અર્થતંત્ર પર ખરાબ અસર પડી અને સામાજીક સ્તરે પણ નુકસાન પહોંચ્યું. 

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ખાતે અનેક સાયન્ટિફિક સ્ટડીઝની સમીક્ષા કરવામાં આવી હતી. સંશોધકોને જાણવા મળ્યું કે, 2020માં મહામારીના પ્રારંભિક તબક્કામાં લોકડાઉને કોવિડ-19ના મૃત્યુદરમાં આશરે 0.2 ટકાનો ઘટાડો કર્યો છે. સંશોધકોએ લખ્યું હતું કે, 'અમને આ વાતનો કોઈ પુરાવો ન મળ્યો કે લોકડાઉન, શાળાઓ બંધ કરવાની, સરહદો બંધ કરવાની અને લોકોની સીમિત મુલાકાતની કોવિડ-19 મૃત્યુદર પર કોઈ ખાસ અસર પડી હોય.'

રિપોર્ટમાં લખ્યું હતું કે, 'તેણે આર્થિક ગતિવિધિઓ ઘટાડવાનું, બેરોજગારી વધારવાનું, શાળાની ગતિવિધિઓ ઘટાડવાનું, રાજકીય તણાવ વધારવાનું, ઘરેલુ હિંસા વધારવાનું અને ઉદાર લોકશાહી ઘટાડવામાં યોગદાન આપવાનું કામ કર્યું છે.' સંશોધકોની ટીમમાં સ્ટીવ હેંક, જોનસ હર્બી અને લાર્સ જોનંગ સામેલ રહ્યા હતા. 

તેમણે લખ્યું હતું કે, 'બધું મળીને અમે જાણ્યું કે, મહામારી દરમિયાન મૃત્યુદર ઘટાડવા લોકડાઉન એ અસરકારક ઉપાય નથી. ઓછામાં ઓછું કોવિડ-19 મહામારીની પહેલી લહેરમાં તો નથી જ.' સંશોધકોએ મહામારીની શરૂઆતમાં થયેલા મૃત્યુની તપાસ બાદ આ વાત કરી છે. તેમણે જાણ્યું કે, સ્ટડીમાં સામેલ કરવામાં આવેલા લોકડાઉન અવધિના અંત એટલે કે, 20 મે, 2020 સુધીમાં અમેરિકામાં કોવિડના કારણે 97 હજાર 081 લોકોના મોત થયા હતા. એ દરમિયાન એક મોટા અભ્યાસે લોકડાઉન વગર 99 હજાર 050 મૃત્યુનું અનુમાન લગાવ્યું હતું. 

સંશોધકોએ કોવિડ મૃત્યુદરની તપાસ કરનારા અનેક ડઝન અભ્યાસનું 'મેટા એનાલિસિસ' કર્યું હતું. સંશોધકોને જાણવા મળ્યું કે, બાર બંધ કરવાથી મૃત્યુ ઘટાડવામાં થોડું યોગદાન મળ્યું છે. તેમના કહેવા પ્રમાણે 'બિનજરૂરી કારોબાર બંધ કરવાથી થોડી અસર પડી છે (કોવિડ મૃત્યુદર 10.6 ટકા સુધી ઘટાડવો), શક્યતા છે કે, તેના તાર બાર બંધ કરવા સાથે સંકળાયેલા છે.' જાણકારોના કહેવા પ્રમાણે લોકડાઉનનો સમય અને અનપેક્ષિત પરિણામ મૃત્યુદરને પ્રભાવિત કરવામાં આશા કરતાં વધુ મોટી ભૂમિકા ભજવી શકે છે.