×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોર્ટ સુધી અમુક લોકો જ આવે છે, દેશની મોટાભાગની વસ્તી મૌન રહી પીડા સહન કરે છે

નવી દિલ્હી, તા. 30 જુલાઈ 2022, શનિવાર

મુખ્ય ન્યાયાધીશ એન.વી રમનાએ ન્યાય સુધીની પહોંચને સામાજિક મુક્તિના સાધન તરીકે વર્ણવતા શનિવારે જણાવ્યું હતું કે, વસ્તીનો ખૂબ જ નાનો વર્ગ કોર્ટ સુધી પહોંચી શકે છે અને મોટાભાગના લોકો જાગૃતિ અને જરૂરી સાધનોના અભાવે મૌનથી પીડાય છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝની પ્રથમ બેઠકમાં જસ્ટિસ રમનાએ કહ્યું કે, લોકોને સક્ષમ બનાવવામાં ટેક્નોલોજી મોટી ભૂમિકા ભજવી રહી છે. તેમણે ન્યાય આપવાની ગતિને વધારવા માટે આધુનિક ટેકનોલોજી સાધનો અપનાવાનો આગ્રહ કર્યો છે.

ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાયપાલિકાને આગ્રહ કર્યો કે, તેઓ વિવિધ જેલોમાં બંધ અને કાનૂની સહાયની રાહ જોઈ રહેલા અંડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા ઝડપી કરે. ચીફ જસ્ટિસ રમને કહ્યું કે, ન્યાય: સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની આ જ વિચારસરણીનું આપણું (બંધારણ) પ્રસ્તાવના દરેક ભારતીયને વચન આપે છે. હકીકત એ છે કે, આજે આપણી વસ્તીનો માત્ર નાનકડો વર્ગ જ ન્યાય પ્રણાલીનો જરૂર પડવા પર સંપર્ક કરે છે. જાગરૂકતા અને આવશ્યક સાધનોના અભાવના કારણે મોટા ભાગના લોકો મૌન રહીને પીડાને સહન કરતા રહે છે. 

તેમણે કહ્યું કે, આધુનિક ભારતનું નિર્માણ સમાજમાં અસમાનતાઓને દૂર કરવાના લક્ષ્ય સાથે કરવામાં આવ્યું હતું.  લોકશાહીનો અર્થ છે દરેકની ભાગીદારી માટે સ્થાન આપવું. આ સહભાગિતા સામાજિક મુક્તિ વિના શક્ય નથી. ન્યાયની પહોંચ એ સામાજિક મુક્તિનું એક માધ્યમ છે. તેમાંનું એક પાસું અન્ડરટ્રાયલની સ્થિતિ છે. અન્ડરટ્રાયલ્સને કાનૂની સહાય પૂરી પાડવા અને તેમની મુક્તિ સુનિશ્ચિત કરવામાં વડા પ્રધાનની જેમ તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં કાનૂની સેવા અધિકારીઓના હસ્તક્ષેપ અને સક્રિય વિચારણાની જરૂર હોય તેવા પાસાઓમાંથી એક છે અન્ડરટ્રાયલ્સની સ્થિતિ.

તેમણે કહ્યુ કે, વડા પ્રધાન અને એટોર્ની જનરલે મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની તાજેતરમાં જ આયોજિત કરવામાં આવેલ સમ્મેલનમાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. મને એ જાણીને આનંદ થઈ રહ્યો છે કે, નાલસા અન્ડરટ્રાયલ્સને તાત્કાલિક રાહત આપવા માટે બધા હિતધારકો સાથે સક્રિય રૂપથી સહયોગ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ રમને કહ્યું કે, ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી વાળો દેશ છે. જેમની સરેરાશ ઉંમર 29 વર્ષ છે અને વિશાળ કાર્યબળ ધરાવે છે. પરંતુ કુલ કર્મચારીઓના માત્ર ત્રણ ટકા જ કુશળ હોવાનો અંદાજ છે.

મુખ્ય ન્યાયાધીશે જિલ્લા ન્યાયતંત્રને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ન્યાય વિતરણ વ્યવસ્થાની કરોડરજ્જુ ગણાવ્યું હતું. તેમણે NALSA દ્વારા 27 વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે લોક અદાલતો અને મધ્યસ્થતા કેન્દ્રો જેવા વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્રને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.