×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના: શું ભારતમાં 7 ગણા વધુ મૃત્યુ થયા? દાવાઓ વચ્ચે રાજ્યોના નવા આંકડાઓથી સર્જાયા સવાલ


- દાવા પર વિશ્વાસ કરીએ તો ભારતમાં કોરોનાએ સત્તાવાર આંકડા કરતા વધારે 20 લાખ લોકોનો ભોગ લીધેલો છે

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર અમુક અંશે ઘટવા લાગી છે. જોકે હજુ પણ સંકટ સંપૂર્ણપણે ટળી નથી જ ગયું. આ મહામારી દરમિયાન સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને અનેક પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હવે કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડાઓને લઈને પણ મોટો સવાલ થઈ રહ્યો છે. 

વિપક્ષ સતત કેન્દ્ર પર કોરોનાનો સાચો મૃતકઆંક સંતાડવાનો આરોપ લગાવતું આવ્યું છે ત્યારે વિદેશી મેગેઝીને પણ આ અંગે અમુક દાવાઓ કર્યા છે. હકીકતે ભારતમાં છેલ્લા 2 મહિનાઓમાં દરરોજ સરેરાશ આશરે 2,000 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ અનેક લોકો મૃતકઆંક આનાથી ઘણો વધારે હોવાનો દાવો કરી રહ્યા છે. તેવામાં અનેક રાજ્યોએ જ્યારે જૂના મૃતકઆંકને પોતાના રેકોર્ડમાં નોંધ્યા તો તેનાથી શંકા વધુ દૃઢ થઈ છે. એક વિદેશી મેગેઝીને કરેલા દાવા પ્રમાણે ભારતમાં કોરોનાનો સાચો મૃતકઆંક 5થી 7 ગણો વધારે હોઈ શકે છે. 

પ્રખ્યાત ઈન્ટરનેશનલ મેગેઝીન ધ ઈકોનોમિસ્ટમાં ભારતને લઈ એક ખૂબ જ સ્ફોટક દાવો કરવામાં આવ્યો છે. આર્ટિકલમાં લખ્યું છે કે, ભારતમાં કોરોનાનો સત્તાવાર મૃતકઆંક દર્શાવાયો છે તેના કરતા 5થી 7 ગણા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આ દાવો અમેરિકાની વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના ક્રિસ્ટોફર લેફલરના સંશોધનના આધારે કરવામાં આવેલો છે. 

જો આ દાવા પર વિશ્વાસ કરીએ તો ભારતમાં કોરોનાએ સત્તાવાર આંકડા કરતા વધારે 20 લાખ લોકોનો ભોગ લીધેલો છે. ભારતમાં હાલ કોરોનાનો સત્તાવાર મૃતકઆંક 3 લાખ 70 હજાર જેટલો જ છે. અગાઉ અમેરિકી સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઈમ્સે પણ ખૂબ ઓછી ગણતરી માંડીએ તો ભારતમાં ઓછામાં ઓછા 6 લાખ લોકો મૃત્યુ પામ્યા છે અને જો આ અનુમાનને કોરોનાની ભયાનક સ્થિતિના સંદર્ભમાં જોઈએ તો ભારતનો મૃતકઆંક 42 લાખ પણ હોઈ શકે છે તેવો દાવો કર્યો હતો.