×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના મુદ્દે જિલ્લાધિકારીઓને PMનો મેસેજ- કાળાબજારી રોકો, ગામોમાં જાગૃતિ વધારો


- ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહ્યા

નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર

ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ મહામારી હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના 46 પ્રભાવિત જિલ્લાઓના ડીએમ સાથે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને સ્થાનિક સ્થિતિ, ડીએમના અનુભવો અને ભાવિ તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

જિલ્લાધિકારીઓને PMનો મેસેજ

વડાપ્રધાને જિલ્લાધિકારીઓને સંબોધતા કહ્યું કે, 'કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. તમે તમારા જિલ્લાઓમાં જે કામગીરી કરી હોય તે મને લેખિતમાં મોકલો, અમે તેને અન્ય જિલ્લાઓમાં પણ લાગુ કરીશું. દરેક જિલ્લાના પોતાના આગવા પડકારો છે, જો તમારો જિલ્લો જીતે છે તો દેશ જીતે છે. દરેક ગામમાં એ મેસેજ પહોંચવો જોઈએ કે તેઓ પોતાના ગામને કોરોનામુક્ત રાખશે.'

વડાપ્રધાને જણાવ્યું કે, 'ગામલોકો પોતે જ પોતાની રીતે મેનેજ કરી રહ્યા છે, પહેલી લહેર વખતે પણ તેમણે આ સંકટને સંભાળ્યું હતું. કોરોના સામેની આ લડાઈમાં દરેક વ્યક્તિ એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તમામ ડીએમ આ યુદ્ધના ફીલ્ડ કમાન્ડર છે. લોકોને સાચી અને ચોક્કસ માહિતી પહોંચાડવી જોઈએ જેથી કઈ હોસ્પિટલમાં કેટલા બેડ છે અને ક્યાં કેટલા બેડ ખાલી છે તે ધ્યાનમાં રહે. ફ્રન્ટલાઈ વર્કર્સને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. 

સ્થાનિક સ્તરે ગાઈડલાઈનમાં ફેરફાર જરૂરી

વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ પીએમ કેર્સ ફંડમાંથી દરેક જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લાગશે જે માટે પહેલેથી પૂરી તૈયારીઓ કરવા પણ કહ્યું હતું. તેમણે વેક્સિન સપ્લાય વધારવાની જરૂર હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને વેક્સિન સાથે સંકળાયેલા તમામ ભ્રમ દૂર કરવા કહ્યું હતું. 

20 મેના રોજ પણ યોજાશે બેઠક

કેન્દ્ર સરકારે અગાઉ પણ સ્થાનિક સ્તરે સ્ક્રીનિંગ, કન્ટેનમેન્ટ ઝોન, સ્વાસ્થ્યની સુવિધાઓને લઈને રાજ્યોને વિનંતી કરી હતી. આગામી 20 મેના રોજ જિલ્લાધિકારીઓ સાથે ચર્ચાનો બીજો તબક્કો યોજાશે જેમાં વડાપ્રધાન અન્ય રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.