×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના મહામારીનો ભયંકર વિસ્ફોટ : રોજના 3.86 લાખ કેસો


- ભારતમાં સતત 9 દિવસથી કોરોનાના દૈનિક કેસ વિશ્વમાં સૌથી વધુ

- દેશમાં વધુ 3498નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 2.08 લાખ, કુલ કેસ 1.87 કરોડ, એક્ટિવ કેસ 31 લાખને પાર થયા

- રસીના બે ડોઝ લીધા પછી પણ દિલ્હીના એલજી બૈજલને કોરોના,  ચંદ્રા તોમરના કોરોનાથી નિધનથી 'શૂટર દાદી'ની જોડી તૂટી

- દેશમાં 1લી મેથી 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ પહેલાં રાજ્યો પાસે રસીના એક કરોડ ડોઝ હોવાનો કેન્દ્રનો દાવો

- કેન્દ્ર રેમડેસિવિરના 4.5 લાખ વાયલ્સની આયાત કરશે, સ્થાનિક સ્તરે દવાનું ઉત્પાદન વધારી માસિક 1.03 કરોડ કરાયું

- દેશમાં એપ્રિલ મહિનામાં કોરોનાના 66 લાખ કેસ, મહામારી શરૂ થયા પછી પહેલી વખત એક મહિનામાં સૌથી વધુ કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. છેલ્લા ૯ દિવસથી સમગ્ર વિશ્વમાં કોરોનાના સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહ પહેલાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના ૩.૧૪ લાખ કેસ નોંધાયા હતા, જે વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ કેસનો વિક્રમ હતો. ત્યાર પછી દેશમાં સતત કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાના એક દિવસમાં ૩.૮૬ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૮૭ કરોડને પાર થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસ ૩૧ લાખથી વધુ થયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૪૯૮નાં મોત નીપજ્યાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૦૮ લાખને પાર થયો છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧.૫૩ કરોડ દર્દીઓ સાજા થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં એપ્રિલ મહિનામાં ૬૬ લાખ કેસ નોંધાયા છે. દેશમાં ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થયા પછી એક મહિનામાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. કોરોનાના નવા કુલ કેસમાંથી ૭૩.૦૫ ટકા કેસ માત્ર ૧૦ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં કર્ણાટક, કેરળ, છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ફરી દૈનિક ૬૬,૧૫૯ નવા કેસ નોંધાયા છે. ઉપરાંત કેરળમાં ૩૮,૬૦૭ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૩૫,૧૦૪ નવા કેસ નોંધાયા છે.

દરમિયાન દેશમાં બેકાબૂ થઈ રહેલી કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેન્દ્રીય મંત્રીઓને તેમના પ્રદેશોમાં લોકોના સંપર્કમાં રહેવાની, તેમને મદદ કરવાની અને વર્તમાન પરિસ્થિતિ અંગે તેમની પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રીઓની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે કોરોના સંબંધિત મુદ્દાઓનો સ્થાનિક સ્તરે ત્વરિત ઉકેલ આવે તે ખૂબ જ જરૂરી છે.

દેશમાં કોરોનાની દવાઓની અછતને ધ્યાનમાં લઈને સરકારે રેમડેસિવિરના ૪.૫ લાખ વાયલ્સની આયાતનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી ૭૫,૦૦૦ વાયલ્સ શુક્રવારે ભારતીય દરિયા કાંઠે પહોંચી જવાની અપેક્ષા છે તેમ રસાયણ અને ખાતર મંત્રાલયે જણાવ્યું હતું. સરકારે દેશમાં રેમડેસિવિરની અછત દૂર કરવા માટે અન્ય દેશોમાંથી આ દવાની આયાત કરવાનું શરૂ કર્યું છે. ઉરાંત ભારતમાં આ દવાના ઉત્પાદનનું લાઈસન્સ ધરાવતા સાત સ્થાનિક ઉત્પાદકોએ તેમની ઉત્પાદન ક્ષમતા માસિક ૩૮ લાખ વાયલ્સથી વધારીને માસિક ૧.૦૩ કરોડ વાયલ્સ કરી છે.

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં ૧લી મેથી રસીકરણના ત્રીજા તબક્કાના ભાગરૂપે ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના લોકોને રસી આપવાનું શરૂ થાય તે પહેલાં રસીકરણ માટેના ડિજિટલ પ્લેટફોર્મ કો-વિન પર અંદાજે ૨.૪૫ કરોડથી વધુ લાભાર્થીઓએ રસી લેવા માટે નોંધણી કરાવી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૨૨.૪૩ લાખથી વધુ સત્રોમાં કોરોનાની રસીના ૧૫.૨૨ કરોડથી વધુ ડોઝ અપાયા છે. કોરોનાની રસીની અછતની રાજ્યોની બૂમરાણ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે હાલ રાજ્યો પાસે કોરોનાની રસીના એક કરોડથી વધુ ડોઝ પડયા છે અને આગામી ત્રણ દિવસમાં વધુ ૨૦ લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. સરકારે અત્યાર સુધીમાં રાજ્યોને રસીના ૧૬.૩૩ કરોડ ડોઝ પૂરા પાડયા છે, જેમાંથી બગાડ સહિત ૧૫.૩૩ કરોડથી વધુ ડોઝનો ઉપયોગ થયો છે.

દરમિયાન દેશમાં અનેક રાજ્યોમાં ઓક્સિજનની ભારે અછત છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને ઉપલબ્ધ ઓક્સિજનનો એક મહત્વપૂર્ણ કોમોડિટી તરીકે ઉપયોગ કરવા અને ખાનગી હોસ્પિટલો સહિત બધી જ હોસ્પિટલોમાં ઓક્સિજનના વપરાશનું ઓડિટ કરવા પણ જણાવ્યું હતું. દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમણે રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેઓ કોરોનાનો ભોગ બન્યા છે. વધુમાં ઉત્તર પ્રદેશનાં પ્રખ્યાત શૂટર ચંદ્રા તોમરનું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ 'શૂટર દાદી' નામથી પ્રખ્યાત હતા. તેમના જીવન પરથી 'સાંઢ કી આંખ' નામની ફિલ્મ પણ બની હતી. બોલિવૂડ અને સ્પોર્ટ્સ ક્ષેત્રના લોકોએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

આપણે થાકી શકીએ, વાઈરસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

'કોરોના કૌભાંડ છે' એવી માનસિક્તાથી દેશમાં કોરોના વધ્યો : કેન્દ્ર સરકાર

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર બેકાબૂ બની છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના એક કૌભાંડ છે તેવી લોકોની માનસિક્તાને કારણે દેશમાં કોરોના મહામારી વકરી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સોશિયલ મીડિયા પર અનેક સંદેશમાં કેટલાક લોકો એવું કહેતા દેખાય છે કે કોરોના એક કૌભાંડ છે. મને માસ્કની જરૂર નથી. તેના આગળ પણ જીવન છે. દેશમાં કોરોના વાઈરસ અંગે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓના સંદર્ભમાં સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકો નિયમોનું પાલન કરે, કારણ કે આપણે થાકી શકીએ છીએ, પરંતુ વાઈરસ નહીં થાકે.

 લોકોના અલગ અલગ પ્રકારના વર્તનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. કેટલાક લોકો બહાદુરી બતાવવા માટે કોરોના એક કૌભાંડ સિવાય કશું નથી, માસ્ક પહેરવાની જરૂર નથી  જેવા ખોટા સંદેશા ફેલાલવી રહ્યા છે. લોકોએ આવી ખોટી માહિતીથી બચવું જોઈએ અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિતની કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ.

ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સ કુરિયર કે ઓનલાઇન પોર્ટલ પરથી મગાવી શકાશે 

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અંગત વપરાશ માટે ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સની આયાત કુરિયર કે ઇ-કોમર્સ પોર્ટલ દ્વારા કરવાની મંજૂરી આપી દીઘી છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(ડીજીએફટી) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ મેંજૂરી ૩૧ જુલાઇ, ૨૦૨૧ સુધી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓમાં ઓકિસજનનું પ્રમાણ ઘટી જતી હોવાથી આવા મેડિકલ ઉપકરણોની ડિમાન્ડ ખૂબ જ વધી ગઇ છે.  ગિફ્ટ કેટેગરી હેઠળ કોન્સ્ટ્રેટર્સને કુરિયર કે ઇ-કોમર્સ પોર્ટલ દ્વારા મગાવવાની મંજૂરી આપવામાં આવી છે.