×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના પર હાઈ-લેવલ મીટિંગમાં PM મોદીએ જુઓ શું આદેશ આપ્યા, નાગરિકોને પણ આપી સલાહ

નવી દિલ્હી, તા.22 ડિસેમ્બર-2022, ગુરુવાર

ચીન, જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BF.7 કેસ સામે આવી રહ્યા છે. આ વચ્ચે 21 ડિસેમ્બરના રોજ બુધવારે ભારતમાં પણ BF.7ના ચાર કેસ સામે આવ્યા છે. આ કેસોને ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 22 ડિસેમ્બરના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. PM મોદીએ બેઠકમાં કહ્યું કે, કોવિડને લઈને સંપૂર્ણ તૈયારી રાખો. ઓક્સિજન સિલિન્ડર, PSA પ્લાન્ટ, વેન્ટિલેટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઓડિટ કરવા રાજ્યોને સલાહ અપાઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMR અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓ, નીતિ આયોગના વી.કે.પોલ સહિતના મહાનુભાવો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.

‘હજુ કોરોના સંપૂર્ણ ખતમ થયો નથી’

વડાપ્રધાન મોદીએ કોવિડને લઈને બેદરકારી ન રાખવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, કોરાના હજી ખતમ થયો નથી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અન્ય સ્થળોએ તકેદારી વધારવી જોઈએ. મોદીએ જીનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી કડક દેખરેખની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો તેમજ તમામને માસ્ક પહેરવા કહ્યું છે.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

ચીન, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં કોવિડ કેસોમાં થયેલા વધારાને ધ્યાને રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 22મી ડિસેમ્બરે એક સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે લોકોને કોરોના સંક્રમણથી બચવાના નિયમોનું પાલન કરવાની, ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. તો વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રખાઈ રહી છે.

રાજ્યો પણ સાવધાન

કોરોનાના ખતરાને ધ્યાને લઈ દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોએ બેઠક યોજી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 22 ડિસેમ્બરે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક યોજી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે. 

કર્ણાટકમાં માસ્ક ફરજીયાત કરાયું

કોરોના વાયરસની ફરી દહેશતને પગલે એકવાર ફરી માસ્કના દિવસો પરત આવવાના શરુ થઈ ગયા છે. કર્ણાટકમાં આરોગ્ય અધિકારીઓએ ગુરૂવારે કોવિડ સુરક્ષા પ્રોટોકોટ જાહેર કર્યો છે. આ પ્રોટોકોટ હેઠળ ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવાયું છે. રાજ્ય સરકારની એડવાઈઝરી મુજબ લોકોએ કોવિડથી સુરક્ષીત રહેવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ માસ્કના દિવસો પરત આવવાના અણસાર જોવા મળી રહ્યા છે. મુંબઈના મુંબા દેવી મંદિર મેનેજમેન્ટે ભક્તોને મંદિરમાં દર્શન દરમિયાન માસ્ક પહેરવાના આદેશનું પાલન કરવાની અપીલ કરી છે. 

ગુજરાતમાં વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ

આજે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરનાના નવા વેરિઅન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ કર્યો છે. સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવાયું છે. અધિકારીઓને બેડ, દવાઓ, વેક્સિન અને ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં માત્ર સિંગલ ડિજિટમાં જ કોરોનાના કેસો આવે છે. રાજ્ય સરકાર પણ તમામ તૈયારીઓ પર ધ્યાન આપી રહી છે. સિઝનલ ફલૂ પર લક્ષણો જોઈને સારવાર કરવામાં આવે છે. 

ઉત્તરપ્રદેશમાં એલર્ટ જારી કરાયું

વિશ્વના કેટલાક દેશોમાં વધતા જતાં કોરોના કેસોને ધ્યાને લઈ ઉત્તરપ્રદેશમાં પણ તકેદારીઓના ભાગરૂપે વિવિધ નિર્ણયો લેવાયા છે. ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે એલર્ટ જારી કર્યું છે. તેમણે કહ્યું કે, આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ તપાસથી લઈને સારવાર સુધીની વ્યવસ્થા શરૂ કરે. ઉપરાંત એરપોર્ટ પર તકેદારી વધારવામાં આવે. સંક્રમણ પ્રભાવિત દેશોમાંથી આવેલા મુસાફરોની તપાસ કરવા માટે પણ સૂચનાઓ અપાઈ છે. એટલું જ નહીં વાયરસના પ્રકારને શોધી શકાય તે માટે કોરોના પોઝિટિવ દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ થવી જોઈએ.

દિલ્હી AIIMSમાં માસ્ક ફરજીયાત

કોવિડના વધતા કેસોને જોતા દિલ્હી AIIMSએ પણ એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં કહેવાયું છે કે હવે એઈમ્સના સ્ટાફે હોસ્પિટલ પરિસરમાં કોવિડ નિયમોનું પાલન કરવું પડશે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર હવે પરિસરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. આ સાથે 5થી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમીત એક દર્દી 16ને સંક્રમિત કરી શકે છે

PGIMSમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર તેમજ કો-વેક્સીન સંશોધન ટીમના સભ્ય ડૉ.રમેશ વર્માએ કહ્યું કે, કોરોનાનો નવો વેરિઅન્ટ BF.7 ખતરનાક છે. આ વેરિઅન્ટના કારણે 2023 પહેલાના 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી અસરગ્રસ્ત થઈ છે. આ વેરિઅન્ટ એક આરનોટ જેવી છે. BF.7 સંક્રમિત દર્દીથી એક દિવસમાં 16 વ્યક્તિઓ જ્યારે અગાઉનો વેરિઅન્ટથી સંક્રમિત દર્દીથી 2થી 3 લોકોને સંક્રમિત થતા હતા. જેને ધ્યાને લઈ નવો વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાશે અને આરોગ્ય વિભાગે ઓછા સમયમાં વધુ લોકોની સારવાર કરવા માટે તૈયાર રહેવું પડશે. નવા વેરિઅન્ટને ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ ખુબ જ જરૂરી છે. સમયસર BF.7નું સંક્રમણ ફેલાતું અટકાવા માટે માટે જે પણ સંક્રમિત દર્દી હોવાનું ધ્યાને આવશે, તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાશે.

નવા વેરિઅન્ટ BF.7ના ઓડિશા-ગુજરાતમાં આવ્યા હતા કેસ

ભારતમાં જુલાઈમાં આવેલા કોરોના ઓમિક્રોનના નવા વેરિઅન્ટના પ્રથમ કેસની ઓળખ કરી લેવામાં આવી હતી. જુલાઈ અને નવેમ્બર વચ્ચે ઓડિશા અને ગુજરાતમાં ચાર આવા કેસો સામે આવ્યા હતા. આ કેસોના સેમ્પલોની જીનોમ સિક્વન્સિંગમાં બીએફ.7 ડિટેક્ટ કરવામાં આવ્યું હતું. જોકે આ કેસો આવવા છતાં આ બંને રાજ્યોમાં કોરોના કેસો વધ્યા ન હતા.

નવા વેરીઅન્ટથી ભારતમાં ચિંતાનો વિષય નહીંઃ આરોગ્ય મંત્રાલય

બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી કહેવાયું કે, 30 સપ્ટેમ્બર-2022ના રોજ ઓડિશામાં એક કેસના ટેસ્ટીંગ દરમિયાન ઓમિક્રોન બીએફ.7 વેરિઅન્ટની પુષ્ટિ કરાઈ હતી. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવાયું કે, જે સમયે આ વેરિઅન્ટની ઓળખ કરાઈ ત્યારે અહીં આ વેરિઅન્ટ ચિંતાનો વિષય ન હતો. 30 સપ્ટેમ્બર-2022ના રોજ બીએફ.7ના નોંધાયેલા પ્રથમ કેસના ત્રણ મહિના સુધી ઓડિશામાં એક પણ આવો કેસ સામે આવ્યો નથી. 

ભારતમાં ઘટી રહેલા કોવિડ કેસો રાહતનો સંકેત !

ચીન સહિત ઘણા દેશોમાં કોરોના ઓમિક્રોનના નવા વેરિઅન્ટ બીએફ.7 કેસોના આંકડા એવા સમયે સામે આવ્યા છે, જ્યારે ભારતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં ગત સપ્તાહમાં નવા કેસોમાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે વૈશ્વિક સ્તરે કોરોના કેસોની સંખ્યમાં વધારો જોવા મળ્યો છે.