×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના કાળ બાદ પ્રખ્યાત બનેલા 'મખાના'ને મળ્યું GI ટેગ

નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2022, રવિવાર

ભારત સરકારે મિથિલાના મખાનાને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ આપી દીધું છે. આ કારણે મખાનાના ઉત્પાદકોને ફાયદો થશે. સામાન્ય ભાષામાં મખાના કમળના બીજ, કમળકાકડી તરીકે પ્રખ્યાત છે. તે કાળા રંગના નાના લંબગોળ બીજ હોય છે જેને ધાણીની માફક ફોડવામાં આવે છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. 

મખાનાને જીઆઈ ટેગ મળવાના કારણે મખાનાના ઉત્પાદકોને ખૂબ જ ફાયદો થશે. મિથિલાના મખાના સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતમાં મખાનાના કુલ ઉત્પાદનના 90 ટકા ઉત્પાદન મિથિલામાં થાય છે. કૃષિ રસાયણોના ઉપયોગ વગર ઉગતા મખાના પ્રોટીનનો સારો એવો સ્ત્રોત ગણાય છે. 

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટરના માધ્યમથી મિથિલા મખાના જીઆઈ ટેગમાં રજિસ્ટર થયા હોવાની માહિતી આપી હતી. તેના કારણે મિથિલા ક્ષેત્રના 5 લાખ ખેડૂતોને લાભ મળશે અને કમાણી પણ વધશે. 


GI ટેગના ફાયદા

જીઆઈ રજિસ્ટ્રેશનના ફાયદાઓમાં તે વસ્તુની કાયદાકીય સુરક્ષા, અન્યો દ્વારા અનધિકૃત ઉપયોગનું નિવારણ, નિકાસને પ્રોત્સાહન વગેરેનો સમાવેશ થાય છે. તે મુખ્યત્વે નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં ઉત્પન્ન થતા પ્રાકૃતિક કે પછી કોઈ હસ્તશિલ્પ કે ઔદ્યોગિક સામાનને આપવામાં આવે છે. સામાન્ય રીતે તે ગુણવત્તા અને વિશિષ્ટતાનું આશ્વાસન આપે છે.   

લોકોમાં હર્ષ

મિથિલાના મખાનાને 'મિથિલા મખાના' નામથી જીઆઈ ટેગ મળવાના કારણે લોકોમાં ભારે આનંદ વ્યાપ્યો છે. લોકો આ અંગેની જાણ થયા બાદ એકબીજાને ફોન કરીને તેની જાણ કરવા લાગ્યા હતા. જોકે મિથિલાના લોકો ઘણાં લાંબા સમયથી આ માટે રાહ પણ જોઈ રહ્યા હતા. 

ધારાસભ્ય નીતીશ મિશ્રાએ જણાવ્યું કે, હવે સમગ્ર વિશ્વમાં જ્યાં પણ મખાના પહોંચશે ત્યાં મિથિલાનું નામ રહેશે. મિથિલાના લોકો માટે આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. જીઆઈ ટેગ મળવાના કારણે મખાના પરનો મિથિલાનો એકાધિકાર કાયમ રહેશે. 

કોરોના કાળમાં વધ્યો વપરાશ

કોરોના કાળ દરમિયાન ડોક્ટરોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મખાનાનું સેવન કરવાની સલાહો આપી હતી. આ કારણે અચાનક જ દેશ-વિદેશમાં તેની ડિમાન્ડમાં વધારો થયો હતો. પુષ્કળ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ધરાવતા મખાના મીઠાઈઓ બનાવવા માટે પણ વપરાય છે. 


મહારાષ્ટ્ર મખાનાના નામ સામે રોષ

બિહારમાં 90 ટકા મખાનાનું ઉત્પાદન થાય છે પરંતુ વિદેશમાં તે મહારાષ્ટ્ર મખાનાના નામે ઓળખાય છે. આ વાત સામે બિહારના લોકોમાં ભારે રોષ હતો પરંતુ હવે જીઆઈ ટેગ મળવાના કારણે બિહારની એક પ્રોડક્ટને વિદેશીઓની થાળીમાં પીરસવાનું સપનું સાકાર થયું છે. ઉપરાંત જીઆઈ ટેગ મળવાના કારણે મખાનાના બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 10 ગણો વધારો થવાની આશા જણાઈ રહી છે.