×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનામાં મરનારા લોકોના પરિવારજનોનુ દુઃખ પીએમ મોદીના આંસુથી દુર નહીં થાયઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.22 જૂન 2021, મંગળવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેર માટે મોદી સરકાર તૈયાર નહોતી પણ ત્રીજી લહેર માટે સરકારે તૈયારી કરવી જોઈએ. સાથે સાથે રાહુલ ગાંધીએ પાર્ટી દ્વારા તૈયાર કરાયેલુ વ્હાઈટ પેપર પણ રજૂ કર્યુ હતુ.

તેને લઈને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ વ્હાઈટ પેપરમાં ત્રીજી લહેર માટે તૈયારી, બીજી લહેર વખતે રહી ગયેલી ખામીઓ અંગે જાણકારી અપાઈ છે. સરકારને બીજી લહેર માટે ચેતવણી આપવામાં આવી હતી પણ સરકારે કોઈ એક્શન લીધા નહોતા. જેના કારણે લોકોના મોત થયા હતા.જે લોકો કોરોનામાં મર્યા છે તેમના પરિવારજનોને કેન્દ્ર સરકારે વળતર આપવુ જોઈએ સાથે સાથે વહેલી તકે 100 ટકા વેક્સીનેશન પણ થઈ જવુ જરુરી છે. જેથી ત્રીજી લહેર સામે લડવામાં મદદ મળી શકે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મેં પહેલા જ કહ્યુ હતુ કે, કોરોનાથી લડવુ હશે તો સિસ્ટમનુ ડિસેન્ટ્રેલાઈઝેશન કરવુ પડશે પણ સરકારે પહેલા આ વાત માની નહોતી અને હવે આ વાત માનવી પડી છે. મોદી સરકારે વૈજ્ઞાનિકો અને ડોકટરોની મદદ લેવાની જરુર છે. વ્હાઈટ પેપરનુ લક્ષ્ય ગયા વર્ષે જે ભૂલો થઈ હતી તે રજૂ કરવાનુ છે. સરકાર જો આ વ્હાઈટ પેપર વાંચશે તો તેમના માટે ફાયદો હશે.

તેમણે કહ્યુ હતુ કે, દેશમાં કોરોનની બીજી લહેર જ્યારે આવી ત્યારે ઓછી વયના લોકોના મોટી સંખ્યામાં મોત થયા હતા.જો તેમને ઓક્સિજન યોગ્ય સમયે મળ્યો હોત તો તેમના મોત થયા નાહોત. પીએમ મોદીના આંસુ આવા લોકોના પરિવારજનોના દુખને ભુલાવી નહીં શકે. પીએમ મોદીએ વેક્સિનેશન અભિયાન સારી રીતે ચાલે તે પહેલા પોતાના વખાણ કરવા ના જોઈએ અને કોરોના પૂરો થાય તે પછી તેઓ પોતાના વખાણ કરે તે વધારે યોગ્ય છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, વ્હાઈટ પેપરમાં અમે ગરીબ અને નાના વેપારીઓની મદદ કરાવ માટે તેમજ કોવિડ વળતર માટ ફંડ બનાવવાની પણ ભલામણ કરી છે. ભારતમાં જ પ્રાઈવેટ હોસ્પિટલમાં રસી લેવા પૈસા આપવા પડી રહ્યા છે. બાકીના દેશોમાં મફત રસી મુકાઈ રહી છે. પીએમ મોદી માર્કેટિંગમાં પડેલા છે અને તેનુ નુકસાન દેશને ભોગવવુ પડી રહ્યુ છે. દેશ માટે વેક્સીનેશન બહુ જરુરી છે અને વેક્સીન લેતા ડરી રહેલા લોકોને જાગૃત કરવા માટે સરકારે અભિયાન ચલાવવુ જોઈએ.