×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો હાહાકાર : પાંચ મહિનામાં સૌથી વધુ 53,000 નવા કેસ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૫

ભારતમાં કોરોના મહામારી ફરી એક વખત દિવસે ને દિવસે વકરી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજારથી વધુ નવા કેસ સાથે માત્ર બે જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે, જે પાંચ વર્ષમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૮ કરોડ નજીક પહોંચી ગયા છે. કોરોનાનું સંક્રમણ વધતાં ઝારખંડ, કર્ણાટક, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૃરી કરી દેવાયો છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે કોરોનાની રસીની નિકાસ અટકાવીને દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૫૩,૪૭૬ થયા હતા. દેશમાં સતત ૧૫મા દિવસે કોરોનાના કેસ વધતા એક્ટિવ કેસ વધીને ૩,૯૫,૧૯૨ થયા છે, જે કોરોનાના કુલ કેસના ૩.૩૫ ટકા જેટલા છે. કોરોના વકરવાથી રીકવરી રેટ પણ વધુ ઘટીને ૯૫.૨૮ ટકા થયો છે. દેશમાં છેલ્લા ૧૫૩ દિવસમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી વધુ ૨૫૧નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૦,૬૯૨ થયો છે. દેશમાં કોરોનાના દૈનિક કુલ કેસમાંથી ૮૦.૬૩ ટકા કેસ માત્ર છ રાજ્યોમાં વધી રહ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તિસગઢ અને ગુજરાતનો સમાવેશ થાય છે. વધુમાં દેશમાં કુલ ૧૦ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીકરણ અભિયાનની ગતિ પણ વધારાઈ છે. દેશમાં ૮,૬૧,૨૯૨ સત્રો મારફત અત્યાર સુધીમાં કુલ ૫.૩૧ કરોડથી વધુ ડોઝ અપાયા છે. દેશમાં ૬૮ દિવસના રસીકરણ અભિયાનમાં ૨૩ લાખથી વધુ લોકોને રસી અપાઈ છે. બીજીબાજુ દેશમાં કોરોનાના કેસમાં સતત ઊછાળો આવવાથી કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે કોરોનાની રસીની નિકાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રસીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નહીં મૂકાય, પરંતુ ઘરેલુ જરૃરિયાતોને પૂરા કર્યા પછી વિદેશમાં રસી પૂરી પાડવામાં આવશે. ભારતમાં કોરોના રસીનું ઉત્પાદન કરનારા ઉત્પાદકોએ પણ ભારતને પ્રાથમિક્તા આપવાના સંકેત આપ્યા છે. સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ એક ટ્વીટ કરી હતી કે, પ્રિય દેશો અને સરકારો. તમે બધા કોવિશિલ્ડ રસીની રાહ જોઈ રહ્યા છો, પરંતુ થોડીક ધીરજ રાખો. અમે પહેલા ભારતની જરૃરિયાત પૂરી કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ભારતે અત્યાર સુધીમાં દુનિયાના અનેક દેશોને કોરોનાની રસીના ૬ કરોડથી વધુ ડોઝ પૂરા પાડયા છે, તેમાંથી ૮૫ લાખ ડોઝ મદદ તરીકે અપાયા છે જ્યારે ૩.૪ કરોડ ડોઝનું વેચાણ કરાયું છે.