×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો આતંક : ૨૪ કલાકમાં નવા કેસ ૯૦૦૦૦ને પાર, એક્ટિવ કેસ ૬.૫૮ લાખ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩

ભારતમાં કોરોના મહામારી દરરોજ નવા નવા વિક્રમ રચતી હોય તેમ દૈનિક કેસમાં વધુ ને વધુ ઊછાળા આવી રહ્યા છે. ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા કેસ ૯૦૦૦૦ને પાર થઈ ગયા હતા જ્યારે ૭૧૪નાં મોત નીપજ્યાં છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૩ કરોડને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૧.૬૪ લાખ થયો છે. બીજીબાજુ કોરોના સામેની લડતમાં રસીકરણ અભિયાન પણ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૭ કરોડથી વધુ ડોઝ અપાયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે ભારતમાં શનિવારે એક દિવસમાં કોરોનાના વિક્રમી ૯૦૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ કેસ છે. દેશમાં છેલ્લે ૨૦મી સપ્ટેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૯૨,૬૦૫ કેસ નોંધાયા હતા. એ જ રીતે શનિવારે ૨૪ કલાકમાં કોરોનાથી ૭૧૪ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. ૨૧મી ઓક્ટોબર પછી એક દિવસનો આ સૌથી મોટો મૃત્યુઆંક છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૨૩,૦૩,૧૩૧ થયા છે જ્યારે કુલ ૧,૬૪,૧૧૦ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

કોરોનાના કેસમાં સતત ૨૪મા દિવસે અસાધારણ ઉછાળો આવવાના પગલે એક્ટિવ કેસ પણ વધીને ૬,૫૮,૯૦૯ થયા છે, જે કુલ કેસના ૫.૩૨ ટકા છે. દેશમાં છેલ્લે ૧૨મી ફેબુ્રઆરીએ એક્ટિવ કેસ સૌથી ઓછા ૧,૩૫,૯૨૬ હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૬૯,૨૪૧ દર્દીઓ સાજા થયા છે. જોકે, રિકવરી રેટ ઘટીને ૯૩.૩૬ ટકા થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાના કેસ એક દિવસમાં ૯૭,૮૯૪ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધુ કેસ છે.

દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીકરણ અભિયાન પણ તિવ્ર ગતિએ ચાલી રહ્યું છે. દેશમાં ૧૬મી જાન્યુઆરીથી શરૃ થયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 7.44 કરોડથી વધુ ડોઝ અપાયા છે, જેમાં ૧૨,૭૬,૧૯૧ રસી શુક્રવારે એક જ દિવસમાં અપાઈ હતી. દેશમાં ૧૧,૫૩,૬૧૪ સત્રમાં કોરોનાની રસીના કુલ ૭,૩૦,૫૪,૨૯૫ ડોઝ અપાયા હતા, જેમાંથી ૬,૧૩,૫૬,૩૪૫ લોકોને પહેલો ડોઝ અપાયો હતો.

દરમિયાન દેશમાં કોરોનાની સૌથી વધુ ખરાબ સ્થિતિ આઠ રાજ્યોમાં છે. કોરોનાના દૈનિક કુલ કેસમાંથી ૮૧.૪૨ ટકા કેસ આ રાજ્યોમાં નોંધાયા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તિસગઢ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ આઠ રાજ્યોમાંથી પણ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે. 

મહારાષ્ટ્રમાં શનિવારે એક જ દિવસમાં ૫૦,૦૦૦ વધુ કેસ નોંધાયા છે. વધુમાં દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી ૫૦ ટકા કેસ મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓ પૂણે, મુંબઈ, નાગપુર, થાને, નાસિક, ઔરંગાબાદ, અહેમદનગર અને નાંદેડમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં નવ ઘણો ઊછાળો આવ્યો છે અને એક્ટિવ કેસ છેલ્લા બે મહિનામાં સૌથી વધુ છે. ટકાવારીની દૃષ્ટિએ પંજાબમાં એક્ટિવ કેસ સૌથી વધુ નોંધાયા છે.

દિલ્હીમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે. દિલ્હી યુનિવર્સિટીના ૧૩ વિદ્યાર્થીઓ અને ચાર કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિલ્હીમાં દૈનિક ૩૫૬૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે દૈનિક ૧૦ દર્દીઓનાં મોત થયા છે.