×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાને લઈ ગુજરાત સરકાર એલર્ટ, જુઓ એક પછી એક આ નિર્ણયો લેવાના શરૂ કર્યા

Image Pixabay

અમદાવાદ, તા. 22  ડીસેમ્બર 2022,  ગુરૂવાર 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને માસ્ક પહેરવા અને રસી લેવા અંગે એક ખાસ અપીલ કરી હતી. તેમણે અધિકારીઓને સતર્ક રહેવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા નિર્દેશ આપ્યો હતો. એક ટ્વિટમાં મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, 'કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ કોવિડ હજી પૂરો થયો નથી. અમે તમામ સંબંધિત કાર્યપાલિકાને સતર્ક રહેવા અને તકેદારી વધારવા કહ્યું છે. સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.'

કોરોનાની વધતી ચિંતાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક
ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને  કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં પણ ICU ચાલુ રખાયું
અમદાવાદમાં કોરોનાના કેસ અને તૈયારીઓ અંગે સિવિલ એડિ. સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલનું નિવેદન, કહ્યું અસારવા સિવિલમાં દવાઓથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે તેમજ 1200 બેડની હોસ્પિટલમાં પણ ICU ચાલુ રખાયું છે. 

સુરત મનપાએ સ્થિતિને ધ્યાને રાખીને 50-50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી
સુરત મનપાએ સંભવિત કેસો અને દર્દીને દાખલ કરવાની સ્થિતિને ધ્યાને રાખીને 50-50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી છે. શહેરના અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરા એમ ચાર વિસ્તારોમાં ચાર હોસ્પિટલ શરૂ થઇ છે.

ભાવનગર ખાતે  ટેસ્ટ વધારવા આપવામાં આવી સૂચના
કોરોનાને ધ્યાનમા લઈ ભાવનગર મનપા કમિશનરે વર્તમાન સ્થિતિને જોતા શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સૂચના આપી છે. હાલ દરરોજ 100 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે વધારવાની સૂચના આપવામાં આવી છે. PHC અને સરટી હોસ્પિટલમાં લોકો ફ્રીમાં ટેસ્ટ કરાવી શકશે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે અને RTPCR માટે પૂરતી કીટ ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું.

ગુજરાતમાં તમામ કોવિડ કેર સેન્ટર એલર્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઘટી પડી, ત્યારે અલગ અલગ શહેરના વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં હતાં. રાજ્યના આરોગ્યસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. અત્યારે રાજ્યમા એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી, પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે તે પ્રમાણે સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે. જો કે અત્યારે 33 જિલ્લા પૈકી એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી, જેથી હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. આઉપરાંત મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પાઇપલાઇન, ઓક્સિજન પ્લાન્ટ, દવાનો જથ્થો વગેરે  માટે સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલમાં  કોરોનાના 20 એક્ટિવ કેસ
આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં 20 જેટલા કેસ એક્ટિવ છે, જેમાં 20 દર્દી સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કોરોના બે કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 1, બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગઈકાલે કુલ 3030 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.