×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનું ભયાવહ ઉગ્ર સ્વરૂપ : 1.34 લાખ કેસ,780નાં મોત


દેશમાં દૈનિક કેસોએ બધા જ રેકોર્ડ તોડયા : કુલ કેસ 1.30 કરોડ મૃત્યુઆંક 1.67 લાખ, એક્ટિવ કેસ 9.79 લાખ

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક, હવે યુવાનોમાં કેસ અને ઇન્ફેક્શનનંુ પ્રમાણ અગાઉ કરતા વધુ : નિષ્ણાંતો

ઇન્દોરમાં ઇન્જેક્શન ન મળતા દર્દીના પરિવારજનોએ રસ્તા બ્લોક કર્યા : એઇમ્સમાં 20 ડોક્ટરને કોરોના, પોઝિટીવ આવતાં ઓમર અબ્દુલ્લા આઇસોલેશનમાં

નવી દિલ્હી : ભારતમાં હવે કોરોના વાઇરસના દૈનિક કેસનો આંકડો એક લાખને પાર જવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 1.34 લાખ કેસો સામે આવ્યા છે જ્યારે 780 લોકોના મોત નિપજ્યા છે.

આ સાથે જ દેશભરમાં કુલ કેસ 1.30 કરોડ થયા છે અને કોરોનાને કારણે મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 1,67,642ને પાર પહોંચી ગઇ છે.  જ્યારે હવે એક્ટિવ કેસો 10 લાખને નજીક પહોંચવા આવ્યા છે.  

સાથે જ રીકવરી રેટ પણ ઘટીને હવે 91.22 ટકાએ પહોંચી ગયો છે. આ વર્ષે જ 12મી ફેબુ્રઆરીએ દેશમાં એક્ટિવ કેસ 1,35,926 હતા જે હાલ અનેક ગણા વધીને 9,79,608એ પહોંચી ગયા છે. કોરોનાની બીજી લહેરની લપેટમાં ડોક્ટરો પણ આવવા લાગ્યા છે.

દિલ્હીમાં એઇમ્સમાં 20 ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ અહીંના છ મેડિકલ વિદ્યાર્થીઓને પણ કોરોના થયો છે જેને પગલે સમગ્ર હોસ્પિટલમાં હાલ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. 

એઇમ્સના જે 20 ડોક્ટરોને કોરોના થયો છે તેમાંથી 2 ફેકલ્ટી મેમ્બર્સ છે જ્યારે બાકીના અન્ય રેસિડેન્ટ ડોક્ટર્સ છે. જોકે મોટા ભાગનાને કોરોનાની સામાન્ય અસર છે. આ ડોક્ટર્સ જેમના પણ સંપર્કમાં આવ્યા હોય તેમની જાણકારી મેળવી તેમનો પણ કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એઇમ્સમાં હાલ ત્રણ હજારથી વધુ ડોક્ટર્સ છે તેથી સંખ્યા વધવાની પણ શક્યતાઓ છે.

હાલમાં જ દિલ્હીમાં આ પહેલા 37 જેટલા ડોક્ટર્સને કોરોના થયો હતો. દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેઓએ પોતાને ઘરે આઇસોલેટ કર્યા છે અને નિયમિત ઓક્સિજન વગેરેની તપાસ ચાલી રહી છે.   હાલ કેટલાક રાજ્યોમાં કોરોનાથી સુરક્ષા મેળવવા માટે મોટા ભાગના લોકોમાં રેમડેસિવિર ઇંજેક્શનની માગણી વધવા લાગી છે.

જોકે કેટલાક રાજ્યોમાં આ ઇંજેક્શનની અછતના પણ અહેવાલો છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં લોકોને રેમડેસિવિર ઇંજેક્શન ન મળતા ગુસ્સો જોવા મળ્યો હતો. અહીં શુક્રવારે ગુસ્સે ભરાયેલા લોકોએ રોડ બ્લોક કરી દીધા હતા. ખાસ કરીને કોરોનાના દર્દીઓના પરિવારજનોમાં આ ઇંજેક્શન ન મળવાથી વધુ ગુસ્સો જોવા મળી રહ્યો છે. 

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે એવામાં યુવાનો પણ તેની લપેટમાં આવવા લાગ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે દિલ્હીમા  યુવા વયના લોકો કોરોનાની વધુ લપેટમાં આવવા લાગ્યા છે. ખાસ કરીને 30થી 50 વર્ષની વયના લોકોમાં પણ કોરોની માઠી અસર થઇ રહી છે જે પહેલા ઓછી જોવા મળતી હતી.

ખાસ કરીને યુવા વયના લોકો બહાર કામ માટે વધુ જતા હોવાથી તેમને કોરોના થવાની શક્યતાઓ પણ વધવા લાગી છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કહ્યું છે કે દેશભરના 149 જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે નથી આવ્યો. જોકે 10 રાજ્યો એવા છે કે જ્યાં કોરોનાના દૈનિક કેસોમાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે, આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટકા, કેરળ, ગુજરાત, રાજસૃથાન, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.  

મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લોકડાઉન

કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે વધતા જતા કેસો પર અંકુશ મૂકવામાં રાજ્ય સરકારે આજથી વીકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરી છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં આની અસર ખાસ વર્તાઇ રહી છે. આ વીકેન્ડ લોકડાઉન આજે રાતે 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી હશે. સ્થાનિકો સવારથી માર્કેટમાં અને અન્ય દુકાનો પર સામાન ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. મુંબઇમાં પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે પરિવહન સેવામાં લોકલ ટ્રેન, બસ ટેક્સી રિક્ષા ચાલુ રહેશે.