×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની બીજી લહેરમાં 1 કરોડ ઉપરાંત લોકોએ નોકરી ગુમાવી, બેરોજગારી દર 12 ટકા

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર

કોરોના મહામારીની બીજી લહેરે લોકોના જીવ પણ લીધા છે અને બીજી તરફ લાખો લોકોની રોજગારી પણ છીનવવા માંડી છે.

બીજી લહેરના કારણે દેશમાં બેકારીનો ગ્રાફ ઝડપથી ઉંચે જઈ રહ્યો છે. બીજી લહેરના કારણે મે મહિનામાં બેરોજગારીનો દર 12 ટકા નોંધાયો છે. જ્યારે એપ્રિલમાં આ આંકડો આઠ ટકા હતો. 11 મહિના બાદ ફરી એક વખત બેરોજગારી દર ડબલ ડિજિટમાં પહોંચ્યો છે.

ગયા વર્ષે જુન 2020માં લોકડાઉનના કારણે બેકારીની ટકાવારી 10.18 ટકા નોંધાઈ હતી. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા પ્રમાણે ગયા વર્ષે એપ્રિલ મે, જુન અને જુલાઈ સિવાય અને 2016ના જાન્યુઆરી મહિના સિવાય ક્યારે પણ બેકારીની ટકાવારી ડબલ ડિજિટમાં નોંધાઈ નથી.

સેન્ટરના કહેવા પ્રમાણે આ દરમિયાન એક કરોડ લોકોને નોકરીથી હાથ ધોવા પડ્યા છે. રોજગારી જવાનુ મુખ્ય કારણ કોવિડની બીજી લહેર છે. જોકે એવી આશા રખાઈ રહી છે કે, ઈકોનોમી સામાન્ય થતા જ બેકારી પણ ઘટી જશે.

ઉલ્લેખનીય છે કે, સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી કહેવા પ્રમાણે એપ્રિલમાં 1.75 લાખ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર ત્રણ ટકા પરિવારોએ પોતાની આવક વધી હોવાનુ કહ્યુ હતુ. 30 મે સુધીમાં શહેરી વિસ્તારોમાં બેકારીની ટકાવારી 18 ટકા સુધી પહોંચી હતી. 55 ટકા પરિવારોએ કહ્યુ હતુ કે, તેમની આકમાં ઘટાડો થયો છે. જ્યારે 42 ટકાએ ગયા વર્ષની સરખામણીમાં આવકમાં કોઈ ફેર પડ્યો નહીં હોવાનુ કહ્યુ હતુ.

મે 2021 મહિનો સતત એવો ચોથો મહિનો છે જ્યારે બેકારીમાં વધારો થયો છે. મે માં બેરોજગારીની ટકાવારી 12 ટકા રહી છે અને એપ્રિલમાં તે આઠ ટકા હતી. જાણકારોનુ માનવુ છે કે, બેરોજગારીનો દર ત્રણ થી ચાર ટકા હોય તો તે ઈકોનોમી માટે સામાન્ય મનાય છે.

એપ્રિલ અને મે મહિનામાં 2.27 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે અને જેમની નોકરી ગઈ છે તેમને નવી નોકરી મેળવવામાં તકલીફ પડી રહી છે. કારણકે અનઓર્ગેનાઈઝડ સેક્ટર કરતા ઓર્ગેનાઈઝડ સેક્ટરમાં સારી નોકરીઓની તકો ઉભી થવામાં સમય લાગતો હોય છે.