×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની ત્રીજી લહેરમાં પહેલી વખત અઢી લાખથી વધુ કેસ


- દેશમાં કોરોના વકર્યો : મહારાષ્ટ્રમાં 50,000, દિલ્હીમાં 29,000, બંગાળમાં 23,500 નવા કેસ

- રાજ્યો લોકલ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા અને પ્રતિબંધો મૂકતી વખતે લોકોની રોજગારી પર ધ્યાન આપે : પીએમ મોદી 

- ભારતમાં પુખ્ત વયની 92 ટકા વસતીને પહેલો ડોઝ, 70 ટકાને બીજો ડોઝ અપાયા

- કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, આસામના રાજ્યપાલ જગદીશ મુખી, બીેએસએફના 30 જવાનો કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી : દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો કેર ઝડપથી વધી રહ્યો છે. કોરોનાના નવા કેસ તિવ્ર ગતિએ પીક તરફ આગળ જઈ રહ્યા છે. દેશમાં ગુરુવારે કોરોનાના નવા અઢી લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ રીતે માત્ર છ જ દિવસમાં કોરોનાના દૈનિક કેસ ૧૫૦ ટકા વધ્યા છે. ગુરુવારે કોરોનાના દૈનિક કેસ ૨.૫૦ લાખને પાર થઈ ગયા હતા, જે છેલ્લા ૨૩૭ દિવસમાં સૌથી વધુ છે. એક્ટિવ કેસ પણ પહેલી વખત ૧૧ લાખને પાર થઈ ગયા હતા, જે ૨૧૭ દિવસમાં સૌથી વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને કોરોનાના વધુ વેરિઅન્ટનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. આ સાથે તેમણે નિયંત્રણો લાગુ કરતી વખતે લોકોની રોજગારી અંગે પણ ધ્યાન રાખવા સલાહ આપી હતી અને અનેક નિર્દેશો આપ્યા હતા.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર ગતિએ આગળ વધી રહી છે અને કોરોનાના દૈનિક કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં ગુરુવારે પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ૨.૫૦ લાખને પાર થઈ ગયા હતા. આ સાથે કોરોનાના એક્ટિવ કેસની ટકાવારી પણ સતત વધી રહી છે તેમજ પોઝિટિવિટી રેટ પણ હવે ૧૩ ટકાને પાર થઈ ગયો છે. બીજીબાજુ રિકવરી રેટ ૯૮ ટકાથી ઘટીને ૯૫.૫૯ ટકા થઈ ગયો છે. 

રાહતની વાત એ છે કે દેશમાં રસીકરણની ઝડપ વધી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૫૪ કરોડ ડોઝ અપાયા છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૪૬,૦૦૦ને પાર થઈ ગયા છે. જોકે, મુંબઈમાં કોરોનાના નવા ૧૩,૭૦૨ કેસ નોંધાયા હતા, જે ગઈકાલની સરખામણીમાં ૧૬ ટકા ઘટયા છે. દિલ્હીમાં પણ કોરોનાના નવા ૨૮,૮૬૭ કેસ નોંધાયા હતા તથા વધુ ૩૧નાં મોત થયા હતા. આ સાથે પોઝિટિવિટી રેટ પણ વધીને ૨૯.૨૧ ટકા થયો હતો. બંગાળમાં કોરોનાના નવા ૨૩,૪૬૭ કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ ૩૨.૧૩ ટકા થયો છે. દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધીને ૫,૪૮૮ થયા છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને રાજ્યોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે અન્ય અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે કોરોનાના અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આપણા સ્વાસ્થ્ય નિષ્ણાતો સ્થિતિનું આકલન કરી રહ્યા છે. કોરોના મહામારીનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો આકરી મહેનત જ છે અને તે જ આપણો એકમાત્ર વિકલ્પ છે. 

તેમણે ઉમેર્યું કે, રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા માટે કેન્દ્રે ફાળવેલા ૨૩,૦૦૦ કરોડ રૃપિયાના પેકેજનો સારી રીતે ઉપયોગ કરાયો છે. અનેક રાજ્યોએ તેમનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે. ભારતમાં પુખ્ત વયની લગભગ ૯૨ ટકા વસતીને કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે જ્યારે બીજા ડોઝનું કવરેજ પણ લગભગ ૭૦ ટકા સુધી પહોંચી ગયું છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના સામે લડતી વખતે આપણે અર્થતંત્રની ગતિ જાળવી રાખવા પર પણ ધ્યાન આપવું પડશે. આથી લોકલ કન્ટેનમેન્ટ ઝોન પર વધુ ધ્યાન આપવું જોઈએ તથા પ્રતિબંધો લાગુ કરતી વખતે લોકોની રોજગારીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કોરોનાના નવા વેરિઅન્ટ છતાં મહામારીનો સામનો કરવા રસીકરણ સૌથી શક્તિશાળી માર્ગ છે. ઓમિક્રોનનો સામનો કરવાની સાથે આપણે ભવિષ્યમાં પણ અન્ય વેરિઅન્ટ માટે અત્યારથી જ તૈયારી શરૃ કરવાની જરૃર છે.

દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, આસામના રાજ્યપાલ જગદીશ મુખી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થયા હતા જ્યારે જગદીશ મુખીને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. ચૂંટણી ફરજ બજાવવા ગુજરાતથી ઉત્તર પ્રદેશના પૌરી જિલ્લામાં કોટદ્વાર પહોંચેલા બીએસએફના ૩૦ જવાનોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

બજેટ સત્ર પહેલાં સંસદ પર કોરોનાનો હુમલો : 718 કર્મી ઝપેટમાં

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં આ મહિનાના અંતમાં સંસદનું બજેટ સત્ર શરૃ થવાનું છે. જોકે, આ પહેલાં જ સંસદ પર કોરોના વાઈરસે હુમલો કર્યો હોય તેમ છેલ્લા ચાર દિવસમાં સંસદના ૩૦૦થી વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ પહેલાં જાન્યુઆરી સુધીમાં ૪૦૦થી વધુ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત આવ્યા હતા. આમ સંસદમાં અત્યાર સુધીમાં લગભગ ૭૧૮ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.