×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના નવા 62 હજાર કેસ, 'કોવિન' પર નોંધણી વગર રસી મળશે


- માન્ય કેન્દ્રો પર જઇને રસી લઇ શકાશે

- કોરોનાથી વધુ 2542ના મોત સાથે કુલ મૃત્યુઆંક 3.80 લાખ નજીક : એક્ટિવ કેસ ઘટીને નવ લાખ નીચે 

- રસીના બે ડોઝ વચ્ચેનું અંતર નક્કી કરવા મામલે  નિષ્ણાતોમાં ભેદ હોવાના અહેવાલોને કેન્દ્રએ ફગાવ્યા

નવી દિલ્હી : સરકારે કોરોનાની રસી લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી રસી લેવા માટે કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નહીં રહે, નવા નિયમો મુજબ સીધા કેન્દ્ર પર જઇને રજિસ્ટ્રેશન કરાવીને સીધા રસી લઇ શકાશે. બીજી તરફ કોરોનાના દૈનિક કેસોમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા માત્ર ૬૨ હજાર કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૨૫૪૨ લોકોના મોત નિપજ્યા છે.  

તે સાથે જ એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થયો છે. છેલ્લા ૭૦ દિવસમાં પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા નવ લાખની નીચે જતી રહી છે. જ્યારે કોરોનાને મૃત્યુ પામેલાની કુલ સંખ્યા ૩.૮૦ લાખ નજીક પહોંચી ગઇ છે. રિકવરી દર પણ વધીને ૯૫.૮૦ ટકાએ પહોંચી ગયો છે. ૨૪ કલાકમા કોરોનાના કુલ ૧૯.૩૦ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેથી કુલ ટેસ્ટિંગનો આંકડો ૩૮.૩૩ કરોડે પહોંચી ગયો છે. 

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૨૬.૧૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એવામાં એવા અહેવાલો હતા કે નિષ્ણાંતો વચ્ચે રસીના બે ડોઝ વચ્ચેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો તે મામલે મતભેદ હતા, જોકે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે હાલ જે સમયગાળો રાખવામાં આવ્યો છે તે વૈજ્ઞાાનિકોની સલાહ અને સંશોધનના આધારે રખાયો છે તેથી તેમાં કોઇ જ ફેરફાર કરવાનો નિર્ણય સરકારે નથી લીધો અને આવો કોઇ જ મતભેદ નિષ્ણાંતોમાં નહોતો. ૧૩મી મેએ કેન્દ્ર સરકારે રસીના બે ડોઝ વચ્ચે છથી આઠ અને ૧૨થી ૧૬ સપ્તાહનો ગાળો રાખવાનો નિર્ણય લીધો હતો. 

દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધનને પત્ર લખીને કહ્યું છે કે ભારતમાં જે વિદ્યાર્થીઓ કોવેક્સિન રસીને લઇને વિદેશ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જાય છે તેમને આ વિદેશી યુનિ. રસી ન લીધી હોય તેવી કેટેગરીના વિદ્યાર્થી ગણે છે. જેને પગલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ પર અસર થઇ રહી છે. બીજી તરફ ૧૮થી ૪૫ વર્ષની વયના લોકોએ કોરોનાની રસી લેવી હોય તો પહેલા કો-વિન પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું, જોકે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે અને હવે દરેક વ્યક્તિએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નહીં રહે, લોકો ઇચ્છે તો કેન્દ્ર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી રસી લઇ શકશે. હાલ ગ્રામીણ વિસ્તારમાં રસી લેવા માટે લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે તેવી સ્થિતિમાં નથી, આ મામલે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રની નીતિનો ઉધડો લીધો હતો તેથી હવે સરકારે કહ્યું છે કે કેન્દ્ર પર જઇને નોંધણી કરાવીને રસી લઇ શકાશે.