×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના કેસ વધતા એક પછી એક રાજ્યોમાં આદેશ, નીતિ આયોગે પણ આપી નાગરિકોને મોટી સલાહ

Image - pixabay

નવી દિલ્હી, તા.21 ડિસેમ્બર-2022, બુધવાર

ચીન અને અમેરિકા સહિત વિશ્વભરમાં ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ફરી ચિંતા વધી છે. ત્યારે ભારતમાં પણ તકેદારીના ભાગરૂપ એક પછી એક રાજ્યોમાં આદેશો બહાર પડાયા છે. તો નીતિ આયોગે ચેતવણીના ભાગરૂપે નાગરીકોને મહત્વની સલાહ આપી છે.

આરોગ્ય મંત્રી માંડવિયાની બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો

ભારત સરકારે પણ તકેદારીના ભાગરૂપે નિર્ણય લીધો છે કે, દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયમાં કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોવિડની હાલની પરિસ્થિતિની અંગે નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. 

ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ

નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભીડભાડવાળા સ્થળો પર લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. પૂરતી માત્રામાં કોવિડ ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આ દરમિયાન આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે આગળ શું પગલાં લેવાના છે.

ગુજરાતમાં વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ

આજે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરનાના નવા વેરિઅન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ કર્યો છે. સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવાયું છે. અધિકારીઓને બેડ, દવાઓ, વેક્સિન અને ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં માત્ર સિંગલ ડિજિટમાં જ કોરોનાના કેસો આવે છે. રાજ્ય સરકાર પણ તમામ તૈયારીઓ પર ધ્યાન આપી રહી છે. સિઝનલ ફલૂ પર લક્ષણો જોઈને સારવાર કરવામાં આવે છે. 

ઉત્તરપ્રદેશમાં એલર્ટ જારી કરાયું

વિશ્વના કેટલાક દેશોમાં વધતા જતાં કોરોના કેસોને ધ્યાને લઈ ઉત્તરપ્રદેશમાં પણ તકેદારીઓના ભાગરૂપે વિવિધ નિર્ણયો લેવાયા છે. ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે એલર્ટ જારી કર્યું છે. તેમણે કહ્યું કે, આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ તપાસથી લઈને સારવાર સુધીની વ્યવસ્થા શરૂ કરે. ઉપરાંત એરપોર્ટ પર તકેદારી વધારવામાં આવે. સંક્રમણ પ્રભાવિત દેશોમાંથી આવેલા મુસાફરોની તપાસ કરવા માટે પણ સૂચનાઓ અપાઈ છે. એટલું જ નહીં વાયરસના પ્રકારને શોધી શકાય તે માટે કોરોના પોઝિટિવ દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ થવી જોઈએ.

18 ડિસેમ્બરે કોરોનાના આંકડો દોઢ મહિનામાં 55 ટકા વધી ગયો

આ સાથે આપને જણાવી દઈએ કે અત્યારે ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ જ સમયે વિશ્વના ઘણા દેશોમાં ખાસ કરીને એશિયા અને યુરોપમાં કોરોના (કોવિડ ચેપ) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના સ્પાઇકમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. 18 ડિસેમ્બરે કોરોનાના આંકડો દોઢ મહિનામાં 55 ટકા વધી ગયો છે. આ આંકડો હવે 3.3 લાખથી વધીને 5.1 લાખ થઈ ગયો છે જે આવનારા સમયમાં વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક બની શકવાનો અંદાજ મળી રહ્યો છે.