×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના કહેર વચ્ચે સંપૂર્ણ યુપીમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત, ફક્ત જરૂરી સેવાઓને છૂટ


- જે જિલ્લાઓમાં 500થી વધારે એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવશે

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2021, મંગળવાર

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના કહેવા પ્રમાણે હવેથી સંપૂર્ણ પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે. ઉપરાંત જે જિલ્લાઓમાં 500થી વધારે એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવશે. 

વીકેન્ડ લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશમાં કારણ વગર બહાર નીકળવા પર મનાઈ રહેશે અને જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને જ બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે. તે સિવાય કોરોના વેક્સિનેશન, મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ છૂટ આપવામાં આવશે. 

ઉત્તર પ્રદેશ સરકારે ગયા રવિવારે પણ પ્રદેશના અનેક જિલ્લામાં લોકડાઉન લાગુ કર્યું હતું. આ રવિવારે આશરે 10 જેટલા જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે હવે સમગ્ર પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા માટે નિર્દેશ આપ્યો છે. સાથે જ પર્વો અને તહેવારો ઘરે રહીને ઉજવવા, સાર્વજનિક સ્થળે ભીડ ન કરવા અને બહાર નીકળે તો માસ્ક પહેરવા જણાવ્યું છે. 

અલાહાબાદ હાઈકોર્ટે થોડા દિવસ પહેલા રાજ્યના 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનની મનાઈ કરી દીધી હતી અને સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે ફક્ત વીકેન્ડ લોકડાઉનનો નિર્દેશ આપ્યો છે.