×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને 50 હજારનું વળતર: કેન્દ્ર


- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

- વળતર માટે કોરોનાથી મૃત્યુ પામેલા હોવાનું પ્રમાણપત્ર સહિતના પુરાવા આપ્યાના 30 દિવસમાં આધાર લિંકથી વળતર મળી જશે 

- અગાઉ સુપ્રીમ કોર્ટમાં વળતર પેટે ચાર લાખ આપવાની માગણી થઇ હતી 

- રૂ. 50 હજારનું વળતર સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી આપવાનું રહેશે

નવી દિલ્હી : કોરોના મહામારીમાં જે પણ લોકોએ જીવ ગુમાવ્યો હોય તેમના પરિવારને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવી જોઇએ તેવી ભલામણ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કરવામાં આવી હતી. આ જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી. સુપ્રીમમાં કોરોના પીડિતોને સહાય આપવાની માગણીઓ કરતી અનેક અરજી થઇ છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોનાને કારણે જે પણ લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. કેંદ્ર સરકારે આ અંગે એક સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે. જેમાં સરકારે કહ્યું છે કે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કોરોના પીડિતોને સહાય આપવા માટે ભલામણ કરવામાં આવી હતી. 

વળતર આપવાની પ્રક્રિયા અંગે પણ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી. જે પણ પરિવારજનોમાંથી કોઇનું કોરોનાને કારણે મોત નિપજ્યું હોય તેવો પરિવાર આ વળતર મેળવવા માટે દાવો કરી શકે છે. જેના માટે એક વિશેષ ફોર્મ આપવામાં આવશે. જેની સાથે જરુરી પુરાવા જોડવાના રહેશે. પુરાવાઓમાં મૃત્યુ પ્રમાણપત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાની સ્પષ્ટતા પણ હોવી જોઇએ. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે જે પણ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે તેમના અને જેમના મોત ભવિષ્યમાં કોરોનાથી થશે તેમના પરિવારને પણ આ આર્થિક સહાય આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ હતી જેમાં આ વળતરની માગણી કરવામાં આવી હતી. અગાઉ કેન્દ્ર સરકારે વળતર આપવાની ના પાડી દીધી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ વળતર અંગે વિચારવુ જોઇએ. 

આ વળતર રાજ્ય સરકારોએ સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી આપવાનું રહેશે. જે પણ જરુરી દસ્તાવેજો દાવો કરનારા પરિવાર દ્વારા ઓથોરિટીને આપવામાં આવે તેના ૩૦ દિવસમાં આ વળતર પુરુ પાડવાનું રહેશે. આ વળતર આધાર લિંક દ્વારા જે લાભ સરકાર આપે છે તે જ પદ્ધતીથી આપવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા આ માટે વિશેષ એક ફોર્મ જાહેર કરવાનું રહેશે. વળતર આપવાની આખી પ્રક્રિયા લોકો માટે વધુ સરળ બનાવવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે. એવામાં કેટલા રૂપિયા આ વળતર આપવા પાછળ થશે તે અંગે કોઇ અનુમાન હાલ લગાવવું શક્ય નથી તેમ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. 

નોંધનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની માગણી થઇ હતી. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આટલુ વળતર આપવા આદેશ ન આપી શકાય પણ શક્ય હોય તેટલુ વળતર આપવા ભલામણ કરી શકાય. જે બાદ કેન્દ્ર સરકાર આ વળતર માટે તૈયાર થઇ છે.