×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાઃ દુબઈએ યાત્રા પ્રતિબંધોમાં આપી ઢીલ, ભારત સહિત અન્ય દેશોના લોકો કરી શકશે મુસાફરી


- સિવાય ભારતીય મુસાફરોએ 24 કલાકનું સંસ્થાગત ક્વોરેન્ટિન પૂરૂ કરવું પડશે

નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર

દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા પોતાના નિવાસીઓને યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લેવા પડશે. 

દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ય સમિતિએ દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈના યાત્રા પ્રોટોકોલ અદ્યતન થયાની જાહેરાત કરી છે. શેખ મંસૂર બિન મોહમ્મદ બિન રાશિદ મખ્તૂમે આ સમિતિની આગેવાની કરી હતી. આ નવા નિયમ અંતર્ગત ભારત, નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકાના રેસિડેન્ટ વીઝા ધરાવતા મુસાફરો પ્રવાસ ખેડી શકશે. 

જાહેરાત પ્રમાણે ભારતથી દુબઈ આવતા આવા મુસાફરો પાસે ફક્ત માન્ય રેસિડેન્ટ વીઝા હોય તે જ જરૂરી રહેશે. જોકે પ્રવાસીઓએ સંયુક્ત આરબ અમીરાત દ્વારા માન્ય કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ ફરજિયાત લીધેલા હોવા પડશે. રિપોર્ટ પ્રમાણે યુએઈ સરકારે જે 4 વેક્સિનને માન્યતા આપી છે તેમાં સિનોફાર્મા, ફાઈઝર-બાયોએનટેક, સ્પુતનિક-વી અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનનો સમાવેશ થાય છે. 

જોકે નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકાથી નોન રેસિડેન્ટ વીઝા ધરાવતા પ્રવાસીઓ પણ મુસાફરી કરી શકશે. રિપોર્ટ પ્રમાણે ઉડાનના 48 કલાક પહેલાનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. તે સિવાય ભારતથી આવનારા મુસાફરોએ 4 કલાક પહેલાનો નેગેટિવ રેપિડ પીસીઆર રિપોર્ટ સાથે લાવવો પડશે. તે સિવાય ભારતીય મુસાફરોએ 24 કલાકનું સંસ્થાગત ક્વોરેન્ટિન પૂરૂ કરવું પડશે. 

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશોએ હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે દુબઈ તરફથી આ મોટું પગલું ભરવામાં આવ્યું છે અને ભારતીય મુસાફરો માટે પ્રતિબંધમાં થોડી ઢીલ આપવામાં આવી છે.