×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોઈ પહેલી વખત જીત્યું તો કોઈ બિલ્ડર છે, જાણો ગુજરાતના નવા મંત્રીઓ વિશે


- કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું 

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલવામાં આવ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ગુરૂવારે સંપૂર્ણપણે નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યા હતા. ભવિષ્યની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક ધારાસભ્યો એવા પણ છે જે પહેલી વખત ચૂંટણી જીતીને આવ્યા છે. 

મુકેશ પટેલઃ

મુકેશ પટેલ સુરતની ઓલપાડ વિધાસભા બેઠક પરથી ભાજપના બીજી વખતના ધારાસભ્ય છે. મુકેશભાઈ પટેલ 2012માં પહેલી વખત વિધાનસભા માટે ચૂંટાયા હતા અને 2017માં બીજી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમના પત્નીનું નામ મીનાબેન છે અને સોગંદનામામાં તેમણે પોતે બિલ્ડર હોવાનું જણાવ્યું છે. 

કિરીટસિંહ રાણાઃ

કિરીટસિંહ રાણા ભાજપની ટિકિટ પર 5મી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 1995ના વર્ષમાં તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા અને ત્યાર બાદ સતત જીત નોંધાવતા રહ્યા હતા. જોકે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના હાથે તેઓ હાર્યા હતા. 

ચેતન ખાચરે કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપનો છેડો પકડ્યો હતો અને ત્યાર બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં કિરીટ રાણા ધારાસભ્ય બન્યા હતા. 1998થી 2002 દરમિયાન તેઓ ગુજરાતમાં મંત્રી રહી ચુક્યા છે. 

બ્રિજેશ મેરજાઃ

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોરબી બેઠક પર કોંગ્રેસની ટિકિટ વડે ભાજપના ઉમેદવાર કાંતિલાલને માત આપીને વિધાનસભા પહોંચ્યા હતા. જોકે ગત વર્ષે કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા તથા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત નોંધાવી હતી. 

અરવિંદ રૈયાણીઃ

રાજકોટ ઈસ્ટ વિધાનસભા બેઠકથી પહેલી વખત ધારાસભ્ય બનનારા અરવિંદ રૈયાણીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમનો જન્મ 4 જાન્યુઆરી, 1976ના રોજ થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં રૈયાણીએ પહેલી વખત રાજકોટ ઈસ્ટ બેઠક પરથી કોંગ્રેસી ઉમેદવાર મિતુલ દોંગાને 23 હજાર મતોથી માત આપી હતી. 

નરેશ પટેલઃ 

ગુજરાતની ગણદેવી વિધાનસભા બેઠક પરથી પહેલી વખત ધારાસભ્ય બનેલા નરેશભાઈ પટેલને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તેઓ પાટીદાર સમાજના લેઉવા પટેલ છે. તેઓ ખોડલધામ ટ્રસ્ટ એટલે કે પાટીદારોની કુળદેવીના મંદિરના અધ્યક્ષ છે. પટેલ અનામત આંદોલન દરમિયાન ડેમેજ કંટ્રોલ માટે ભાજપે તેમને આગળ કર્યા હતા અને 2017ની ચૂંટણીમાં સવા લાખ મત મેળવીને ધારાસભ્ય બન્યા હતા.