×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ સત્તા પર આવી તો ફરી કલમ 370 લાગુ કરવા વિચારશે, દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી,તા.12 જૂન 2021,શનિવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ ફરી એક વખત પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમણે કાશ્મીર પર આપેલા નિવેદનના કારણે ભાજપના નેતાઓને તેમના પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.

એક ઓનલાઈન ચેટ દરમિયાન દિગ્ગી રાજાએ કહ્યુ હતુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય દુખદ હતો અને જો કોંગ્રેસ સત્તામાં આવી તો આ કલમને ફરી લાગુ કરવા માટે વિચારણા કરાશે. મહત્વની વાત એ છે કે, આ નિવેદન દિગ્ગી રાજાએ પાકિસ્તાની પત્રકારના સવાલના જવાબમાં આપ્યુ હતુ.

એ પછી ભાજપના નેતાઓએ દિગ્વિજયસિંહની ઝાટકણી કાઢવાની શરૂ કરી છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ હતુ કે, કોંગ્રેસે જ કલમ 370 લગાવવાનુ પાપ કર્યુ હતુ અને હવે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે, આ કલમ હટાવવા માટે ફરી વિચાર કરવામાં આવશે. કોંગ્રેસ ભાગલાવાદી પરિબળોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

જ્યારે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, દિગ્વિજયસિંહના નિવેદન પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના શું વિચારો છે તે જાણવુ જરૂરી છે. શું આ કોંગ્રેસનુ પણ વલણ છે તેનો જવાબ રાહુલ ગાંધી આપે. દિગ્વિજયસિંહ ઓનલાઈન ચેટ રૂમમાં ભારત વિરોધમાં બોલી રહ્યા છે અને પાકિસ્તાનની હા માં હા મિલાવી રહ્યા છે. આ જ દિગ્વિજયસિંહે પુલવામા હુમલાને દુર્ઘટનામાં ખપાવ્યો હતો.દિગ્વિજયસિંહ કહી રહ્યા છે કે, મોદીજી સત્તા પરથી હટશે અને કોંગ્રેસ સત્તા પર આવશે તો કલમ 370ને ફરી લાગુ કરાશે.તેમનુ વલણ બતાવી રહ્યુ છે કે કોંગ્રેસ અને પાકિસ્તાન એક જ છે. કોંગ્રેસ દેશદ્રોહીઓની ક્લબ છે.

દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાએ દિગ્વિજયસિંહના નિવેદનનુ સમર્થન કરતા કહ્યુ હતુ કે, તેમણે લોકોની લાગણી વ્યક્ત કરી છે. હું તેમનો આભારી છું અને તેમને ધન્યવાદ આપુ છું. આશા છે કે, કેન્દ્ર સરકાર તેના પર વિચારણા કરશે.