×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'કોંગ્રેસે દેશના લોકતાંત્રિક ચરિત્રને કચડ્યું હતું', ઈમરજન્સીની વરસી પર PM મોદીની ટ્વીટ


- 1975માં આજના દિવસે જ કોંગ્રેસ પાર્ટીએ ભારતની મહાન લોકશાહી પર વજ્રઘાત કરીને દેશ પર કટોકટી થોપી હતીઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975ના વર્ષમાં દેશમાં કટોકટી લાગુ કરી હતી તેની આજે વરસી છે. આ પ્રસંગે દેશના અનેક દિગગ્જ નેતાઓ નિવેદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેટલાય વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે ટ્વીટ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીની વરસી નિમિત્તે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, કટોકટીના કાળા દિવસોને કદી નહીં ભૂલી શકાય. 1975થી 1977ના તે કાળખંડમાં સંસ્થાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. આપણે એ વાતનું વ્રત લઈએ કે ભારતની લોકશાહીને મજબૂત રાખીશું. કોંગ્રેસે દેશના લોકતાંત્રિક ચરિત્રને કચડ્યું હતું. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, એક પરિવારના વિરોધમાં ઉઠેલા સ્વરોને કચડવા માટે થોપવામાં આવેલી ઈમરજન્સી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. 21 મહિનાઓ સુધી નિર્દયી શાસનની ક્રૂર યાતનાઓ સહીને દેશના બંધારણ અને લોકશાહીની રક્ષા માટે નિરંતર સંઘર્ષ કરનારા તમામ દેશવાસીઓના ત્યાગ અને બલિદાનને નમન. 

ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, 1975માં આજના દિવસે જ કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને અહંકારવશ દેશ પર ઈમરજન્સી થોપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની હત્યા કરી દીધી હતી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કાળકોટડીમાં કેદ કરીને પ્રેસ પર તાળા જડી દેવામાં આવ્યા હતા. નાગરિકોના મૌલિક અધિકાર છીનવીને સંસદ અને ન્યાયાલયને મૂકદર્શક બનાવી દેવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ નિમિત્તે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, 1975માં આજના દિવસે જ કોંગ્રેસ પાર્ટીએ ભારતની મહાન લોકશાહી પર વજ્રઘાત કરીને દેશ પર કટોકટી થોપી હતી. હું એ તમામ પુણ્યાત્મા સત્યાગ્રહીઓને નમન કરૂ છું જેમણે 'કટોકટી'ની અમાનવીય યાતનાઓ સહન કરીને પણ દેશમાં લોકશાહીની પુનઃસ્થાપનામાં સહયોગ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, 25 જૂન 1975ના રોજ ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી હતી. આ દરમિયાન નાગરિકો, પ્રેસના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. દેશમાં મીડિયા પાસે બોલવાની આઝાદી નહોતી, સાથે જ નસબંધીનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો હતો.