×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસી નેતાના 'સરદાર પટેલ જિન્ના સાથે હતા' નિવેદન મુદ્દે હોબાળો, ભાજપે કહ્યું- આ તો ચાટુકારિતાની પરકાષ્ઠા


- જોકે સીડબલ્યુસીના કેટલાક સદસ્યોએ કર્રાની વાતમાં હસ્તક્ષેપ કર્યો હતો અને યાદ અપાવ્યું હતું કે, પટેલ ભારતના એકીકરણમાં યોગદાન આપનારા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ હતા

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર, 2021, સોમવાર

કોંગ્રેસી નેતા તારિક હમીદ કર્રાના 'સરદાર પટેલ જિન્ના સાથે હતા' નિવેદન મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે અને તેને ચાટુકારિતાની પરકાષ્ઠા ગણાવી છે. ભાજપના નેતા સાંબિત પાત્રાએ આજે આ નિવેદન મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઘેર્યા હતા. સાંબિત પાત્રાએ કહ્યું કે, આજે સમાચાર પત્રમાં છપાયું છે કે, 2 દિવસ પહેલા યોજાયેલી કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં કાશ્મીર મુદ્દે કેટલાક સવાલો ઉઠ્યા હતા. બેઠકમાં કાશ્મીર મુદ્દે ભ્રમનો માહોલ સર્જવામાં આવ્યો હતો. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે, સરદાર પટેલ જિન્ના સાથે મળેલા હતા અને કાશ્મીરને હિંદુસ્તાનથી અલગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું કે, ફક્ત નેહરૂના કારણે જ જમ્મુ કાશ્મીર હિંદુસ્તાનમાં સામેલ થઈ શક્યું. 

પાત્રાના કહેવા પ્રમાણે કોંગ્રેસી નેતાનો આ પ્રકારના વિવાદિત નિવેદન આપવાનો એક જ ઉદ્દેશય્ છે, તે છે ગાંધી પરિવારના વારસાને કઈ રીતે આગળ વધારવામાં આવે અને ચાટુકારિતાની પરકાષ્ઠા કઈ રીતે જાળવી રખાય. વધુમાં જણાવ્યું કે, આજે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે, પોતાના પરિવારના વારસાને ઉપર રાખવા માટે, નેહરૂ-ગાંધી રાજવંશને ઉપર રાખવા માટે પછી તે સુભાષ ચંદ્ર બોઝ હોય, વીર સાવરકર હોય કે, સરદાર પટેલ કોઈને પણ અપમાનિત કરી શકે છે. કોઈના નામ પર ભ્રમ ફેલાવવાનો હોય, કોંગ્રેસ પાર્ટી બધું જ કરી શકે છે. 

પાત્રાએ જણાવ્યું કે, જ્યારે આપણા બધાના આદર્શ સરદાર પટેલ અંગે આવી વાતો કહેવામાં આવી રહી હતી ત્યારે શું બેઠકમાં ઉપસ્થિત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એમ કહ્યું કે, આવી વાતો ન કહેવી જોઈએ. શું એ નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો જેણે આ પ્રકારના વિવાદિત નિવેદનો આપ્યા. 

હકીકતે 16 ઓક્ટોબરના રોજ યોજાયેલી કોંગ્રેસની સીડબલ્યુસી બેઠકમાં કોંગ્રેસી નેતા તારિક હમીદ કર્રાએ કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે સરદાર પટેલ અને જવાહર લાલ નેહરૂની ભૂમિકા અંગે પણ વાત કરી હતી. બેઠક દરમિયાન કર્રાએ કહ્યું હતું કે, જવાહર લાલ નેહરૂએ જમ્મુ કાશ્મીરને હિંદુસ્તાનમાં ઈન્ટિગ્રેટ કરવાનું કામ કર્યું જ્યારે સરદાર પટેલ, જિન્ના સાથે મળીને કાશ્મીરને પાકિસ્તાનને સોંપવા ઈચ્છતા હતા. જોકે સીડબલ્યુસીના કેટલાક સદસ્યોએ કર્રાની વાતમાં હસ્તક્ષેપ કર્યો હતો અને યાદ અપાવ્યું હતું કે, પટેલ ભારતના એકીકરણમાં યોગદાન આપનારા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ હતા.