×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસના આ વાયદાઓ ભાજપ પર ભારે પડ્યા, કર્ણાટકમાં પરાજય બાદ આત્મમંથન કરવા મજબૂર

image : Twitter


કર્ણાટકમાં પરાજયનો સ્વાદ ચાખ્યા બાદ હવે ભાજપ આત્મમંથન કરી રહ્યો છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની મફતની યોજનાઓથી નુકસાન થયું. મહિલાઓ માટે રૂ. 2000 અને મફત વીજળી જેવા કોંગ્રેસના વાયદાઓએ ભાજપને 2024ની લોકસભા ચૂંટણી માટે આત્મમંથન કરવા મજબૂર કરી દીધો છે. સૂત્રો કહે છે કે વિપક્ષ દ્વારા લોકોને આકર્ષવા માટે આપવામાં આવી રહેલી આવી ઓફરોનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરવાની જરૂર છે. જોકે એ વાત અલગ છે કે ભાજપે પણ તેના ચૂંટણી ઢંઢેરામાં લોકોને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો કરી હતી પણ તેણે બધાને આવી મફત યોજનાઓનો લાભ આપવા તૈયારી બતાવી નહોતી. હવે તેને જૂની પેન્શન યોજનાની ચિંતા થઈ રહી છે જે તેને આવનારી 2024ની લોકસભા ચૂંટણીથી પહેલા ટેન્શન આપી શકે છે. 

ભાજપ નવી રણનીતિ બનાવવા મજબૂર 

કર્ણાટક ચૂંટણીથી બોધપાઠ લઈને ભાજપ હવે નવી રણનીતિ બનાવી આગળ વધી રહ્યો છે. પાર્ટીને ડર છે કે કોંગ્રેસ અને વિપક્ષના અન્ય દળોની મફત યોજનાઓ તેને નુકસાન પહોંચાડી રહી છે. જોકે એવું નથી કે ચૂંટણીમાં ભાજપે લોકોને આકર્ષતી જાહેરાતો ન કરી હોય પણ તેણે અન્યોની તુલનાએ મફત યોજનાઓથી હાથ પાછો ખેંચ્યો હતો. ખુદ પીએમ મોદી પણ જાહેર સભાઓમાં મફતની યોજનાઓ પર પ્રહાર કરતા દેખાયા છે. ભાજપના સૂત્રો કહે છે કે પાર્ટીનો એક મોટો જૂથ એવું માને છે કે મફતની યોજનાઓ વધારે સમય સુધી સત્તા નહીં અપાવી શકે. 

ભાજપની મફતની જાહેરાતો ફક્ત મર્યાદિત લોકો અને મર્યાદિત સમય માટે જ

કર્ણાટક ચૂંટણીમાં ભાજપે મફત સિલિન્ડરની જાહેરાત કરી પણ ફક્ત તહેવારની સિઝન દરમિયાન એ પણ બીપીએલ કાર્ડધારક પરિવારો માટે જ. અનેક વિધાનસભા ચૂંટણીમાં ઢંઢેરાનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ એક વરિષ્ઠ ભાજપના નેતા કહે છે કે મતદારો વિપક્ષી દળોને મત આપવા માટે મફતની એવી યોજનાઓથી આકર્ષાય છે પણ કેન્દ્રની સત્તાધારી પાર્ટી ખુદને એક નેશનલ ખેલાડી તરીકે એક મોટી તસવીરમાં જુએ છે જે આવા લોભામણા વાયદાઓ આપવામાં માનતી જ નથી. 

મોંઘવારીથી રાહત આપવા વિપક્ષનું અભિયાન 

આ વર્ષના અંતે યોજાનાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની સાથે કોંગ્રેસ જે છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તામાં છે તેણે પહેલાથી જ મોંઘવારી રાહત કેમ્પ જેવા ઉપાયો શરૂ કરી દીધા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો કેન્દ્રીય નેતૃત્વ કૃષિ લોન માફીની જાહેરાત કરવા માટે વધારે ઉત્સુક નહોતો. જોકે તેણે યુપીમાં 2017માં બંને રાજ્ય રાજ્ય એકમોના સૂચનો છતાં કર્યું હતું. 

જૂની પેન્શન સ્કીમ વધારશે ટેન્શન

હિન્દી બેલ્ટના રાજ્યોમાં ભાજપ માટે વધુ એક પડકાર ઓપીએસ (જૂની પેન્શન યોજના) હશે. ભાજપના એક નેતાએ કહ્યું કે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે અગાઉથી પેન્શન પ્રણાલીની સમીક્ષા કરવા માટે એક સમિતિની જાહેરાત કરી દીધી છે અને આંધ્રપ્રદેશ સરકારના પેન્શન મોડેલનો અભ્યાસ કરી રહી છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે 2019માં પીએમ કિસાન નિધિ આવતા 2024થી પહેલા આવા કોઈ અન્ય જન કેન્દ્રિત ઉપાયને નકારી ના શકાય. પણ એ જ અપનાવાશે જે આર્થિક રીતે વ્યવહારિક હશે.