×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસઃ અમે ફક્ત ચૂંટણી હાર્યા છીએ, હિંમત નહીં, સોનિયા ગાંધી બોલાવશે CWC બેઠક


- 'ભાવનાત્મક મુદ્દાઓ લોકોના જીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ક્યાંકને ક્યાંક હાવી થઈ ગયા'

નવી દિલ્હી, તા. 11 માર્ચ 2022, શુક્રવાર

તાજેતરમાં યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં મળેલી હાર મામલે કોંગ્રેસે જણાવ્યું કે, અમે ચૂંટણી પરિણામોથી નિરાશ જરૂર થયા છીએ પરંતુ હતાશ નથી થયા. અમે ફક્ત ચૂંટણી હાર્યા છીએ, હિંમત નથી હાર્યા.

મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, અમે ક્યાંય નથી જઈ રહ્યા, જ્યાં સુધી વિજય ન મળે અને તે જીત જનતાની જીત ન હોય ત્યાં સુધી અમે લડતા રહીશું. અમે નવા ફેરફાર અને નવી રણનીતિ સાથે પાછા આવીશું. અમારૂં માનવું છે કે, જનતાના વિવેક, નિર્ણય પર કદી સવાલ ન કરી શકાય. 

વધુમાં કહ્યું કે, અમને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં વધુ સારા પરિણામોની અપેક્ષા હતી. કોંગ્રેસે સ્વીકાર્યું કે, કેપ્ટન અમરિંદર સિંહની 4.5 વર્ષની સત્તાવિરોધી લહેરમાંથી બહાર ન નીકળી શકાયું. જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું. સુરજેવાલાએ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. 

સુરજેવાલાએ સ્વીકાર્યું કે, યુપીમાં તેઓ કોંગ્રેસને જમીની સ્તરે પુનર્જીવીત કરવામાં તો સફળ રહ્યા પરંતુ જનમતને બેઠકોમાં ન ફેરવી શક્યા. ગોવા અને ઉત્તરાખંડમાં ખૂબ સારી રીતે લડ્યા પરંતુ લોકોના મન ન જીતી શક્યા. તેમના મતે ભાવનાત્મક મુદ્દાઓ લોકોના જીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ક્યાંકને ક્યાંક હાવી થઈ ગયા. 

સોનિયા ગાંધી બોલાવશે CWC બેઠક

5 રાજ્યોમાં મળેલી હાર અંગે સમીક્ષા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જલ્દી જ CWCની બેઠક બોલાવશે. પાર્ટી હારના કારણો પર ગહન દૃષ્ટિથી આત્મમંથન અને આત્મચિંતન કરશે. બેઠકમાં એક વ્યાપક અંતર મંથન કરવામાં આવશે. 

જનતાના નિર્ણયનો વિનમ્રતા સાથે સ્વીકાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જનાદેશનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. જે લોકો જીત્યા છે તેમને શુભેચ્છાઓ. તમામ કોંગ્રેસી કાર્યકરો અને સ્વયંસેવકોને તેમની આકરી મહેનત અને સમર્પણ માટે શુભેચ્છા. અમે આમાંથી સબક લઈશું અને ભારતના લોકોના હિતમાં કામ કરતા રહીશું.