×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગોઃ સેંકડો મુસાફરો ભરેલી હોડી નદીમાં પલટતાં 51ના મોત, 69 લોકો લાપતા


- કોંગોની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ હોવાથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન નથી આપી શકતી અને લોકો નદી માર્ગે મુસાફરી કરવા મજબૂર બને છે

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર, 2021, શનિવાર

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ખાતે નદીમાં હોડી પલટી જવાના કારણે 100 કરતા પણ વધારે લોકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. પ્રાંતીય અધિકારીઓના કહેવા પ્રમાણે કોંગો નદીમાં બનેલી આ દુર્ઘટનાએ ઓછામાં ઓછા 100 લોકોનો ભોગ લીધો છે. ઉત્તર પશ્ચિમી પ્રાંત મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મૈગબાડોએ 51 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાની અને 69 લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી આપી હતી. તે સિવાય 39 લોકો સુરક્ષિત બચી ગયા છે. 

અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ કોંગો ખાતે હોડી પલટી જવાના કારણે 60 લોકોના મોત થયા હતા. હોડીમાં તેની ક્ષમતા કરતા વધારે સંખ્યામાં લોકો સવાર હોવાથી દુર્ઘટના બની હતી. દેશના માનવીય મામલાઓના મંત્રી સ્ટીવ મબિકાયીએ તે હોડી પર 700 લોકો સવાર હોવાની માહિતી આપી હતી. 

કોંગો ખાતે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. જાન્યુઆરીમાં બનેલી ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 20 લોકોની ભાળ નહોતી મળી. હોડીમાં ક્ષમતા કરતા વધારે સંખ્યામાં મુસાફરોને ભરવાના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોય છે. 

કોંગોમાં આ પ્રકારની દુર્ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. દેશભરના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોવાથી લોકો હોડી દ્વારા મુસાફરી કરવાને પ્રાધાન્ય આપતા હોય છે. કોંગોના લોકો માટે લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર વિકલ્પ કોંગો નદી છે. કોંગોની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ હોવાથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન નથી આપી શકતી.