×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેશ કાંડ મામલે કોંગ્રેસના ત્રણ સસ્પેન્ડ MLAના ઘરે બંગાળ CIDના દરોડા


- બંગાળ પોલીસે એડવોકેટ રાજીવ કુમારની ધરપકડના સંબંધમાં EDના ડેપ્યુટી ડાયરેક્ટર સુબોધ કુમારને સમન્સ પાઠવ્યું છે

રાંચી. તા, 09 ઓગષ્ટ 2022, મંગળવાર

ઝારખંડમાં સરકાર પાડવાના ષડયંત્ર સાથે જોડાયેલા કેશ કાંડમાં બંગાળ CIDએ સોમવારે મોટી કાર્યવાહી કરી છે. CIDની ટીમે કોંગ્રેસના સસ્પેન્ડ MLA ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને નમન વિક્સલ કોંગડીના રાંચીના સત્તાવાર આવાસ અને પૈતૃક ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શું મળ્યું તે સીઆઈડીએ જાહેર નથી કર્યું પરંતુ સૂત્રોનું કહેવું છે કે, રાજેશના ઘરેથી જમીનના ઘણા કાગળો મળી આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે CIDની ચાર સભ્યોની ટીમ 12:30 વાગ્યે જામતારા સ્થિત ઈરફાનના આવાસમાં ઘૂસી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી પ્રક્રિયામાં ટીમે ઘણા પેપરોની ચકાસણી કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જોકે, ટીમે કોઈ દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી ન હતી. આ દરમિયાન અલમિરા ખોલવા માટે માધુપુરથી ચાવી મંગાવી તપાસ કરી હતી. ટીમ જ્યારે નામકુમમાં રાજેશના ઘરે પહોંચી તો ઘરમાં કોઈ નહોતું. ધારાસભ્યની માતા ડાંગરનું વાવેતર કરીને પરત ફર્યા બાદ ટીમ ઘરમાં ઘૂસી હતી. રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલેલા દરોડા દરમિયાન ટીમે મોબાઈલ, એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત જમીનના બે દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

MLAના પિતા હોસ્પિટલમાં દાખલ

કેસ કાંડમાં ધરપકડ કરાયેલા ખિજરીના MLA રાજેશ કચ્છપના પિતા જગરનાથ કચ્છપને રવિવારે રાત્રે ગંભીર હાલતમાં ઓર્કિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્યની પત્ની રિયા તિર્કીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા પછી જણાવ્યું કે તેમને બ્રેઈન હેમરેજ અને પેરાલિસિસ છે. રવિવારે રાત્રે ધારાસભ્ય નમકુમના રામપુર લુપુંગ ટોલી નિવાસસ્થાન પર બંગાળ CID ટીમ દ્વારા ચાલુ દરોડા દરમિયાન જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ટીમે તેમની પૂછપરછ પણ કરી અને મંગળવારે સવારે 9 વાગ્યે તેમને જગરનાથપુરના સત્તાવાર નિવાસસ્થાન પર બોલાવ્યા હતા.

EDના ડેપ્યુટી ડાયરેક્ટરને બંગાળ પોલીસનું સમન્સ

બંગાળ પોલીસે એડવોકેટ રાજીવ કુમારની ધરપકડના સંબંધમાં EDના ડેપ્યુટી ડાયરેક્ટર સુબોધ કુમારને સમન્સ પાઠવ્યું છે. લાંબા સમય સુધી રાંચી ઝોનલ ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર રહેલા સુબોધ કુમારની ગયા મહિને જ ઓડિશામાં બદલી કરવામાં આવી હતી.

અનૂપ CID સામે હાજર, નિવેદન નોંધાવ્યું

બેરમોના ધારાસભ્ય કુમાર જૈમંગલ ઉર્ફે અનૂપ સિંહે સોમવારે બંગાળ CIDમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના સમર્થનમાં તેમનું નિવેદન નોંધ્યું હતું. અનૂપે કહ્યું કે, ઈરફાને તેને 10 કરોડની લાલચ આપી હતી. આ અંગે તેમણે પાર્ટી હાઈકમાન્ડને જાણ કરી હતી. સીઆઈડીએ લગભગ ચાર કલાક સુધી અનૂપનું નિવેદન નોંધ્યું. હવે CID કોર્ટમાં 164 હેઠળ તેમનું નિવેદન નોંધવાની તૈયારી કરી રહી છે.