×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેબિનેટે ડેવલોપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટીટયુશનની રચનાને મંજૂરી આપી

 નવી દિલ્હી, તા. ૧૬વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલ કેન્દ્રીય કેબિનેટ ડેવલોપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટીટયુશન(ડીએફઆઇ)ની રચના કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરતી વખતે ડીએફઆઇની રચના કરવાની જાહેરાત કરી હતી. શરૃઆતમાં આ માટે ૨૦,૦૦૦ કરોડ રૃપિયાની મૂડી ઠાલવવામાં આવશે. દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં રોકાણ કરવા માટે ડીએફઆઇ ફંડ ઉભુ કરશે. કેબિનેટ બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં સિતારમને જણાવ્યું હતું કે કેબિનેટની મંજૂૂરી મળી ગયા પછી હવે આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારને આશા છે કે આગામી કેટલાક વર્ષોમાં ડીએફઆઇ ૩ લાખ કરોડ રૃપિયા એકત્ર કરશે. સિતારમને વધુમાં જણાવ્યું હતું કે તમામ સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને જે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે તે બેંકના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે. કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ)ની બેઠક પછી સિતારમને જણાવ્યું હતું કે જે બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે તે બેંકના કર્મચારીઓના પગાર, સ્કેલ અને પેન્શનનું ધ્યાન રાખવામાં આવશે. આ દરમિયાન બેંકોના ખાનગીકરણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રશ્રો અંગે વળતો પ્રહાર કરતા નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે રાહુલે ફક્ત આરોપ મૂકીને ભાગી ન જવું જોઇએ પણ ચર્ચા કરવી જોઇએ. રાહુલ ગાંધીના પ્રશ્રો પણ તેમણે જણાવ્યું હતું કે તેમના દાદી ઇન્દિરા ગાંધીએ ભલે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હોય પણ કોંગ્રેસે ફક્ત ભ્રષ્ટાચારનું રાષ્ટ્રીયકરણ કર્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું કાર્ય ફક્ત અને ફકત આરોપ મૂકવાનો છે. તેમણે બેંકોના રાષ્ટ્રીયકણ અંગે કંઇ પણ બોલતા પહેલા હોમવર્ક કરવું જોઇએ. તેઓ ફક્ત આરોપ લગાવીનેૈ ભાગી જાય છે. જો કે તેમણે ચર્ચા માટે પણ તૈયાર રહેવું જોઇએ. મને ખબર નથી કે તેમને ટ્વિટ માટે કોણ ગાઇડ કરે છે.