×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેપ્ટન અમરિંદરના પ્રધાન સલાહકાર પદેથી પ્રશાંત કિશોરે આપ્યું રાજીનામુ, કહ્યું- બ્રેક ઈચ્છું છું


- પ્રશાંત કિશોર થોડા દિવસો પહેલા ખૂબ જ એક્ટિવ દેખાયા હતા અને તેમણે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની મુલાકાત પણ લીધી હતી

નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પ્રધાન સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિંદરને પત્રમાં જણાવ્યું હતું કે, 'હું સાર્વજનિક જીવનમાં સક્રિય રાજકારણમાંથી કામચલાઉ બ્રેક ઈચ્છું છું. આ કારણે હું તમારા પ્રધાન સલાહકાર પદની જવાબદારી નહીં સંભાળી શકું. ભવિષ્યમાં મારે શું કરવું છે તે હજુ નક્કી કરવાનું બાકી છે. આ કારણે હું તમને વિનંતી કરૂ છું કે મને આ પદેથી મુક્ત કરી દેવામાં આવે. આ પદ માટે મારી પસંદગી કરવા બદલ આભાર.' 

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેવા સમયે પ્રશાંત કિશોરે રાજીનામુ આપી દીધું છે. કેપ્ટને માર્ચ મહિનામાં જ પીકેને પોતાના પ્રધાન સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે ટ્વીટરના માધ્યમથી તેની જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'પ્રશાંત કિશોરે મારા પ્રધાન સલાહકાર તરીકે જોઈન કર્યું છે. તેમના સાથે પંજાબના લોકોની સુધારણા માટે કામ કરીશું.'

પ્રશાંત કિશોર થોડા દિવસો પહેલા ખૂબ જ એક્ટિવ દેખાયા હતા. તેમણે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ કોંગ્રેસની એક બેઠક યોજાઈ હતી જેમાં રાહુલ અને પીકેની બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રીની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.