×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર રેમડેસિવિર ન આપી લોકોને મારી નાંખવા માગે છે ! : દિલ્હી હાઈકોર્ટ


- ઓક્સિજન પર હોય તેને જ રેમડેસિવિર આપવાના તઘલખી નિર્ણયની ટીકા

- કેન્દ્રના વહીવટમાં મોટા છીંડા : દિલ્હીને પૂરતો ઓક્સિજન કેમ નથી અપાતો ? રેમડેસિવિરની અછતને ધ્યાનમાં રાખી મેડિકલ પ્રોટોકોલ બદલી ન શકાય 

- આ તે કેવું તંત્ર ? : સાંસદે દિલ્હીમાંથી 10 હજાર રેમડેસિવિર મેળવી મહારાષ્ટ્રમાં વહેંચી

- સરકારે પ્રોટોકોલ બનાવતી વખતે જાણે મગજનો ઉપયોગ કર્યો જ નથી : હાઈકોર્ટ

નવી દિલ્હી : કોરોના વાઇરસની મહામારી વચ્ચે હાલ અનેક રાજ્યો ઓક્સિજન અને જરુરી ગણાતા રેમડેસિવિર ઇંજેક્શનની અછતની ફરિયાદો કરી રહ્યા છે. આવો જ એક મામલો દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો હતો, દિલ્હી હાઇકોર્ટે રેમડેસિવિરની અછત અને નવા પ્રોટોકોલને લઇને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો અને સાથે ફટકાર લગાવતા કહ્યું હતું કે રેમડેસિવિરના પ્રોટોકોલ બદલી રહ્યા છો, જાણે એવુ લાગી રહ્યું છે કે તમે ઇચ્છો જ છો કે લોકો મરી જાય. 

દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે કહ્યું હતું કે આ ખોટુ છે, તદ્દન ખોટુ છે, હવે જે લોકો પાસે ઓક્સિજન નહીં હોય તે રેમડેસિવિર પણ નહીં મેળવી શકે. લાગી રહ્યું છે કે તમે ઇચ્છો જ છો કે લોકો મરી જાય. દિલ્હી હાઇકોર્ટમાં દિલ્હીમાં ઓક્સિજન અને રેમડેસિવિરની જે અછત છે તે મામલે સુનાવણી ચાલી રહી છે, આ અછત બદલ દિલ્હી સરકારે કેન્દ્રને જવાબદાર ઠેકવી છે. હાઇકોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયને પણ પક્ષકાર બનાવ્યું છે. જેથી રેમડેસિવિર અને ઓક્સિજન મામલે કેન્દ્ર પાસેથી પણ જવાબ મેળવવામાં આવી રહ્યા છે. 

બુધવારે જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે હાલના પ્રોટોકોલ પ્રમાણે કોરોનાના જે દર્દી ઓક્સિજન સપોર્ટ પર હોય તેમને જ રેમડેસિવિર આપવાની હોય છે. બાદમાં હાઇકોર્ટે કહ્યું હતું કે હાલ જે અછત ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને પ્રોટોકોલ ન બદલો, આ તદ્દન ખોટુ છે, આનું પરીણામ એ આવી રહ્યું છે કે ડોક્ટરો રેમડેસિવિરની ભલામણ નહી આપી શકે. આ સંપૂર્ણપણે મિસમેનેજમેન્ટ છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દિલ્હીમાં જેટલા કેસ છે તેને ધ્યાનમાં રાખીને રેમડેસિવિર પહોંચાડી રહ્યા છીએ.

બાદમાં હાઇકોર્ટે કહ્યું હતું કે આટલો ઓછો સ્ટોક આપવો યોગ્ય નથી.  સાથે હાઇકોર્ટે કહ્યું હતું કે એ બહુ જ આઘાતજનક છે કે એક સાંસદ પાસે દિલ્હીમાંથી ૧૦ હજાર રેમડેસિવિર આવ્યા અને બાદમાં તેને મહારાષ્ટ્રના અહેમદનગરમાં લોકો વચ્ચે વહેચવામાં આવ્યા. આ રેમડેસિવિર દિલ્હીના દર્દીઓને આપી શકાઇ હોત, આ ખરેખર વહીવટમાં મોટા છીંડા હોવાનું પુરવાર કરે છે. બાદમાં કેન્દ્ર સરકારે જવાબમાં કહ્યું હતું કે ભવિષ્યમાં રેમડેસિવિરનું ઉત્પાદન અને સપ્લાય બન્ને વધારી દેવામાં આવશે.

દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે અમને રેમડેસિવિરના ૫૨૦૦૦ ઇંજેક્શન ફાળવવામાં આવ્યા હતા અને માત્ર ૨૫૦૦ જ મળ્યા છે. જેને પગલે હાલ દિલ્હીમાં ભારે અછત જોવા મળી રહી છે. દિલ્હી હાઇકોર્ટની બેંચના ન્યાયાધીશ વિપિન સિંઘી અને રેખા પલ્લીએ પણ કેન્દ્રને ઓક્સિજન મામલે ફટકાર લગાવી હતી, તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીની એક દિવસમાં ૪૯૦ મેટ્રિક ટન ઓક્સિન પુરો પાડવાનો હતો, જોકે આ પુરવઠો માત્ર એક જ દિવસ માટે નહોતો. દિલ્હીને ઓક્સિજનનો પુરતો પુરવઠો ન મળ્યો.