×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો


(પીટીઆઇ)ઃ   નવી દિલ્હી, તા. ૨૮

કેન્દ્ર સરકારે આજે બુધવારે તેના કર્મચારીઓ અને પેન્શન ધારકોના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે આ સાથે મોંઘવારી ભથ્થું (ડીએ)  વધીને ૩૮ ટકા થઇ ગયું છે. આ માહિતી આપતા કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે,આ વધારેલું મોંઘવારી ભથ્થું ૧લી જુલાઈથી અમલી બનશે અને તેનું એરિયર્સ પણ કર્મચારીઓને તથા પેન્શનધારકોને અપાશે.

સરકાર સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી અને જુલાઈની ૧ તારીખથી વધારે છે. પરંતુ તેની જાહેરાત અનુક્રમે માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં થાય છે. વાસ્તવમાં મોંઘવારી ભથ્થું તે મૂળભૂત રીતે તો માસિક પગારનો જ ભાગ છે. જે જીવન જરૃરિયાતની ચીજોના થતા ભાવવધારા સામે સરભર કરવા અપાય છે.

આ વર્ષના માર્ચમાં મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારે ૩ ટકાનો વધારો કરતાં તે ૩૪ ટકા પહોંચ્યું હતું તે આ વર્ષના ૧ જાન્યુઆરીથી અમલી બન્યું હતું હવે તેમાં પણ ૪ ટકાનો વધારો થતા તે પગારના ૩૮ ટકા થઇ ગયું છે. અને તે ૧લી જુલાઈથી અમલમાં મૂકવામાં આવશે.

કોરોના કાળ દરમિયાન ઉભા થયેલા સંકટને લીધે કેન્દ્ર સરકારે ૨૦૨૦માં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના'નો પ્રારંભ કર્યો હતો. આ યોજના હેઠળ ગરીબ  લોકોને પ્રતિ વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ દર મહિને નિઃશૂલ્ક આપવામાં આવતું હતું. પછીથી આ યોજના હેઠળ જેમની  પાસે રેશનકાર્ડ ન પણ હોય તેવાઓને પણ અનાજ આપવાનું શરૃ કરાયું હતું.

શરૃઆતમાં તો આ યોજના નીચે માત્ર ૧ કિલો ચણા, દાળ અને જરૃરી મસાલાની કીટ આપવામાં આવતી હતી તે પછી તેમાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા અને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ નિઃશૂલ્ક આપવાનો નિર્ણય કરાયો હતો. આ યોજના આ વર્ષના સપ્ટેમ્બર માસમાં જ બંધ થવાની હતી પરંતુ તેમાં ૩ મહિના વધારી દેવાયા છે.

નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે  આ નિર્ણયથી સરકારી  તિજોરી પર ૪૫ હજાર કરોડ રૃપિયાનો બોજ પડશે. યોજના હેઠળ આપવામાં આવતા અનાજના જથ્થામાં કાપ મુકવાની વિચારણા હતી છેવટે તે પડતી મુકાઈ અને કોઈ ફેરફાર કરાયો નથી. જો કે યુક્રેન યુદ્ધને લીધે ઉભા થતા અન્ન સંકટને અનુલક્ષી સબસીડીથી અપાતા કે નિઃશૂલ્ક અપાતા અનાજમાં કાપ મુકવાનો કે તે યોજના બંધ કરવા માટે પણ સરકાર ઉપર દબાણ હતું છતાં તેને ગણકાર્યા સિવાય જ તે ચાલુ રખાઈ છે.

આ યોજનાથી ૮૦ કરોડ લોકોને લાભ થશે આ પાંચ કિલો અનાજ રેશનકાર્ડ પર દર મહિને મળતા અનાજથી અલગ જ હશે (તે ઉપરાંતનું હશે) આ અનાજ જે દુકાને રેશનકાર્ડ નોંધાયું હોય તે દુકાન ઉપરથી જ મળી શકશે તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

સરકારના જણાવ્યા અનુસાર એપ્રિલ, ૨૦૨૦થી અત્યાર સુધીમાં આ યોજના પાછળ કુલ ૩.૪૫ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે. આ યોજના હેઠળ ૮૦ કરોડ ગરીબ લોકોને દર મહિને વ્યકિત દીઠ પાંચ કીલો અને ચોખા આપવામાં આવે છે.