×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલનો દાવો, હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટિલને બદલશે!

અમદાવાદ તા. 23 ઓગષ્ટ 2022,મંગળવાર

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે એક ટ્વીટ કરી દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી હવે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને બદલવા માટે તૈયારી કરી રહી છે.

અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હવે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને બદલવાનું વિચારી રહી છે, શું ભાજપ આટલું ડરી ગયું છે?

કેજરીવાલના આ ટ્વીટથી ચર્ચાઓ શરૂ થઈ છે. ગુજરાત ભાજપે બે દિવસ પહેલા જ પોતાના બે સિનિયર નેતા - રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી - પાસેથી બે મહત્વના ખાતા પરત લઈ લીધા હતા. આ બન્ને મંત્રીઓ પાસેથી કેબિનેટ મંત્રી તરીકેની દરજ્જો પણ પરત ખેંચી લેવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બરમાં અચાનક જ વિજય રૂપાણી અને તેના સમગ્ર મંત્રી મંડળને બદલાવી આંચકો આપ્યો બાદ આ પગલું પણ ભારે ચર્ચામાં છે. ગુજરાતમાં ભાજપ ૨૭ વર્ષથી સત્તા ઉપર છે અને ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય એવી શક્યતા છે ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે.

મફત વીજળી, મફત શિક્ષણ, મફત આરોગ્ય સેવાઓ, બેરોજગારોને પેન્શન જેવા વચનો આપી આપ સતત ચર્ચામાં રહેવા પ્રયત્ન કરી રહી છે 

બીજી તરફ, દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે સીબીઆઇ તપાસ શરૂ થતાં આમ આદમી પાર્ટી વધારે આક્રમક બની ગઈ છે.

વધુ વાંચો : દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ : કેજરીવાલની ટ્વીટ