×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલના 'પાકિસ્તાન'વાળા નિવેદન મુદ્દે ભડક્યું BJP, કહ્યું- સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે સવાલ કરનારા માફી માંગે


- કેજરીવાલનો સવાલઃ શું પાકિસ્તાન સાથે યુદ્ધ થાય ત્યારે પણ કેન્દ્ર એમ કહી દેશે કે બધા રાજ્યો પોત-પોતાનું જોઈલો? 

નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કોરોના વેક્સિન મુદ્દે બરાબરનું નિશાન તાક્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે શું પાકિસ્તાન સાથે યુદ્ધ થાય ત્યારે પણ કેન્દ્ર એમ કહી દેશે કે બધા રાજ્યો પોત-પોતાનું જોઈલો? જે એ વેક્સિન માટે કહી રહ્યું છે. કેજરીવાલના આ નિવેદનને લઈ ભાજપે પલટવાર કર્યો છે.સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રાએ કેજરીવાલ માફી માંગે તેવી માંગણી કરી હતી. 

સાંબિત પાત્રાનું કેજરીવાલ પર નિશાન

ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ જણાવ્યું કે, દિલ્હીમાં નવા કેસ ઘટી રહ્યા છે તે સંતોષની વાત છે પરંતુ દુખની વાત એ છે કે કેજરીવાલનું રાજકારણ ચાલુ છે. અમે આજે 2 વખત કેજરીવાલને ટીવી પર જોયા જેનો ઉદ્દેશ્ય ફક્ત પોતાનો પ્રચાર કરવાનો જ હતો. 

130 દિવસમાં 20 કરોડ વેક્સિન પૂરી પાડીઃ પાત્રા

સાંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને છેલ્લા 130 દિવસમાં 20 કરોડ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દિલ્હી સરકાર પાસે હાલ 1.5 લાખથી વધારે વેક્સિન ઉપલબ્ધ છે. પ્રબંધન અને વિતરણ કરવું એ દિલ્હી સરકારનું કામ છે પરંતુ તમે (કેજરીવાલ) રાજકારણ કરી રહ્યા છો. 

પાકિસ્તાનવાળા નિવેદન મુદ્દે ભડક્યું ભાજપ

ભાજપના પ્રવક્તાએ પાકિસ્તાનવાળા નિવેદન મુદ્દે કહ્યું કે, આજે તમે (કેજરીવાલે) પાકિસ્તાનને આ મુદ્દામાં ઘૂસાડવા પ્રયત્ન કર્યો. તમે એવો સવાલ કર્યો કે શું દિલ્હી અને યુપી યુદ્ધ વખતે અલગ-અલગ હથિયાર અને ગોળા-બારૂદ લેશે? પરંતુ સર્જિકલ સ્ટ્રાઈક વખતે જ્યારે આપણે એક થઈને લડીએ છીએ તો તમે સવાલ કરો છો. તમારે (કેજરીવાલે) માફી માંગવી જોઈએ. 

વેક્સિન ટેન્ડર મુદ્દે સવાલ

ભાજપના નેતા સાંબિત પાત્રાએ વેક્સિન ટેન્ડર મુદ્દે કહ્યું કે, તમે (કેજરીવાલે) કહ્યું હતું કે અમે વેક્સિન નિર્માતાઓ સામે જાતે જ અમારી વાત રાખીશું, અમને આઝાદી આપો. પરંતુ જ્યારે એવું બને છે ત્યારે તમે કહો છો કે આ કેન્દ્રએ સંભાળવાની વાત છે. 

શું હતું કેજરીવાલનું નિવેદન

હકીકતે મુખ્યમંત્રી કેજરીવાલે બુધવારે કેન્દ્રને કહ્યું હતું કે, 'શું યુદ્ધ વખતે એવું જ કહેશો કે રાજ્ય પોત-પોતાનું જોઈલે? કાલે જો પાકિસ્તાન ભારત સામે યુદ્ધ શરૂ કરી દે તો એવું થોડું કહેશો કે રાજ્ય પોત-પોતાનું જોઈલે. ઉત્તર પ્રદેશવાળા પોતાની ટેન્ક ખરીદી લે અને દિલ્હીવાળા પોતાના હથિયાર ખરીદી લે. આ સમય ભારતે એકસાથે કામ કરવાનો છે, ટીમ ઈન્ડિયા બનીને કામ કરવાનો છે.'