×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુશ્તીબાજો સામે વિવિધ કલમ હેઠળ FIR,પોલીસે જંતરમંતર પર સપાટો બોલાવતા ફરી દેખાવો નહીં થાય

image : Twitter


દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ કરી રહેલા કુશ્તીબાજો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જે કુશ્તીબાજો સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા પ્રતિષ્ઠિત કુશ્તીબાજોનો સમાવેશ થાય છે. સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા દેખાવકાર કુશ્તીબાજોને પોલીસ કસ્ટડીમાં લીધાના કલાકો બાદ રવિવારે (28 મે) દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી હતી.

પોલીસે કહ્યું - મંજૂરી વિના દેખાવ કર્યા 

દિલ્હી પોલીસે જણાવ્યું કે  કુશ્તીબાજ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ અને અન્ય આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેટલાક કુશ્તીબાજો  મોડી રાત્રે જંતર-મંતર આવ્યા હતા પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલવામાં આવ્યા હતા.

નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે : વિનેશ

એફઆઈઆર સામે પ્રતિક્રિયા આપતા વિનેશ ફોગાટે કહ્યું કે આ નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. ફોગાટે તેના ટ્વિટર પેજ પર લખ્યું, "દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજ ભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. શું આ દેશમાં સરમુખત્યારશાહી શરૂ થઈ ગઈ છે? આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.

બજરંગ પુનિયાએ અટકાયત પર ઉઠાવ્યો સવાલ

રવિવારે વિરોધ કરી રહેલા કુશ્તીબાજોએ સંસદ ભવન સામે મહિલા સન્માન મહાપંચાયતની જાહેરાત કરી હતી. પોલીસે તેની મંજૂરી આપી ન હોવા છતાં કુશ્તીબાજોએ સંસદ તરફ 'શાંતિપૂર્ણ કૂચ' કરી. ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા. સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને થોડા કલાકો બાદ મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે પુનિયાને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. પુનિયાએ તેની પોલીસ કસ્ટડી પર સવાલ ઉઠાવ્યા છે. પુનિયાએ ટ્વિટર પર લખ્યું, હું હજુ પણ પોલીસ કસ્ટડીમાં છું. આ લોકો કશું કહેતા નથી. શું મેં કોઈ ગુનો કર્યો છે? બ્રિજભૂષણને જેલમાં હોવું જોઈતું હતું. શા માટે અમને જેલમાં રાખવામાં આવ્યા છે?

આ કલમો હેઠળ કેસ નોંધાયો

જે કલમો હેઠળ ખેલાડીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે તેમાં કલમ 147 (હુલ્લડ), કલમ 149 (ગેરકાયદેસર સભા), 186 (જાહેર સેવકને ફરજમાં અવરોધ કરવો), 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલ આદેશનો અનાદર), 332 ( સરકારી કર્મચારીને ઈજા પહોંચાડવી) અને 353(સરકારી કર્મચારીને ડ્યુટીથી રોકવા માટે ગુનાઈત બળ ) સાથે દેખાવકારો પર પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન સમાપ્ત

કુશ્તીબાજો પર કાર્યવાહી કરવાની સાથે પોલીસે જંતર-મંતર પરના વિરોધ સ્થળ પરથી તમામ સામાન હટાવી લીધો છે અને સ્થળની સફાઈ કરવામાં આવી છે. મતલબ કે હવે ખેલાડીઓ ફરી વખત ધરણાં કરી શકશે નહીં.