×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુલ રોકાણની સરેરાશ પડતર સામે LICને રૂ.14,419 કરોડની ખોટ


- વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LICને પણ રોકાણ સામે નુકસાન

- અદાણી જૂથના શેરોની 2022ની ઐતિહાસિક તેજીમાં ઊંચા ભાવથી જીવન વીમા નીગમમાં પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગય

મુંબઈ : દેશની સૌથી મોટી નાણાસંસ્થા એવી જીવન વીમા નિગમ (એલઆઈસી)એ અદાણી જૂથની વિવિધ કંપનીઓના શેરમાં લાંબા સમયથી રોકાણ કરેલું છે. ગત સપ્તાહે જયારે અદાણી જૂથના શેરના ભાવમાં ઘટાડો થયો ત્યારે નિગમે સ્પસ્ટતા કરી હતી કે અમારું રોકાણ, કુલ રોકાણ સામે ઘણું ઓછું છે અને હજુ રોકાણની પડતર સામે નફો થઇ રહ્યો છે. જોકે, આ પછીના ત્રણ સત્રમાં પણ અદાણી જૂથના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હોવાથી હવે એલઆઈસીને પણ ખોટ થઇ રહી છે. 

બજારના સુત્રોએ જણાવ્યા અનુસાર પાછલા વર્ષો દરમિયાન એલઆઈસીએ કરેલી શેરની ખરીદી, તેના સરેરાશ પડતર ભાવ સામે આજે બંધ ભાવે નિગમને શેરના પોર્ટફોલિયોમાં હવે રૂ.૧૪,૪૧૯ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. અદાણી જૂથની કંપનીઓમાં (એસીસી અને અંબુજા સિમેન્ટ સિવાય) એલઆઈસી અલગ અલગ સમયે, તબક્કાવાર જે રોકાણ કર્યું તેનું મુલ્ય રૂ.૫૧,૩૨૧ કરોડ જેટલું આંકવામાં આવે છે. આ રોકાણની પડતર સામે શુકવારે બજાર બંધ રહી ત્યારે તેનું વર્તમાન મુલ્ય રૂ.૩૬,૯૦૨ કરોડ થઇ ગયું છે એટલે રોકાણ સામે હવે એલઆઈસીને ખોટ જઇ રહી છે અને તેના કારણે પોલીસી ધારકોનું વળતર ઘટે અથવા તો તેમાં નુકસાન થાય એવી શક્યતા છે. 

સૌથી મહત્વની વાત છે કે અદાણી જૂથની આ કંપનીઓમાં શેરબજારમાં રોકાણ કરતા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનું કુલ રોકાણ ડિસેમ્બર ૨૦૨૨ના અંતે માત્ર રૂ.૯,૯૧૦ કરોડ હતું. ઇક્વિટી ફંડ્સમાં સેક્ટર અનુસાર, લાર્જ કેપ કે સ્મોલ કેપ - મિડકેપ ફંડ્સ અનુસાર નાણા જેતે કંપનીમાં રોકવા પડતા હોવા છતાં ફંડ્સનું રોકાણ સાવ સામાન્ય હતું તો પછી એલઆઈસીએ કેમ આટલું જંગી રોકાણ કર્યું તે સમજાતું નથી.

અદાણી જૂથના શેરોમાં માર્ચ ૨૦૨૧ પછી વણથંભી તેજી જોવા મળી રહી છે. કંપનીઓના ફંડામેન્ટલ કે નફાશક્તિના બદલે ઓપરેટર દ્વારા શેરમાં સતત ટ્રેડીંગ કરી ભાવ ઊંચા લઇ જવામાં આવ્યા હોય એવી સ્થિતિ હતી. વધી રહેલા માર્કેટ કેપીટલઈઝેશન થકી અદાણી એન્ટરપ્રાઈસ અને અદાણી પોર્ટ બન્ને નિફ્ટી અને વૈશ્વિક ફંડ્સના ઇન્ડેક્સમાં સામેલ થઇ ગઈ હતી. ઇન્ડેક્સમાં સમાવેશ થવાના કારણે ફંડોએ તેમાં ખરીદી કરવાની ફરજ પડી હતી. જોકે, એલઆઈસી માટે ફંડ્સની જેમ ખરીદી કરવી ફરજીયાત નથી.

એલઆઈસી સરકારની માલિકીની નાણા સંસ્થા છે અને તેની જવાબદારી પોલીસીહોલ્ડર અને સરકાર બન્ને માટે હોય છે. આમ  છતાં, અત્યાર સુધી અદાણી જૂથની કંપનીઓમાં રોકાણથી દુર રહેલી એલઆઈસીએ પણ ડિસેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ વચ્ચે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ શરુ કર્યું હતું અને સંસ્થાકીય રોકાણકાર મોટા જથ્થામાં ખરીદી કરે એટલે ભાવ વધારે ઉંચકાયા હતા. 

વર્ષ ૨૦૨૨ દરમિયાન અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેરના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. એલઆઈસીના ખરીદેલા શેર અનુસાર દરેક કંપનીઓની ઐતિહાસિક ઉંચી સપાટીએ એલઆઈસીના રોકાણનું મુલ્ય રૂ.૯૧,૯૫૨ કરોડ થઇ ગયું હતું. આટલા ઊંચા રોકાણ મૂલ્ય પછી પણ અદાણીએ પોતાનો હિસ્સો વેચ્યો હોય કે પ્રોફિટ બુકિંગ કર્યું ન હતું. આ ઊંચા ભાવ સામે અત્યારે પોર્ટફોલિયો રોકાણમાં રૂ.૫૫,૦૫૦ કરોડનો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે. પોલીસી ધારકને આ નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે એ અંગે કેન્દ્ર સરકાર અને એલઆઈસી બન્નેએ ખુલાસો કરવો જોઈએ.