×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવેલા વધુ એક ચિત્તાનું મોત

Image - Kuno National Park, Twitter

ભોપાલ, તા.23 એપ્રિલ-2023, રવિવાર

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક દુઃખદ સમાચારસામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા અન્ય ચિત્તા ‘ઉદય’નું મોત નિપજ્યું છે. ચિત્તા ઉદય બિમાર હોવાથી તેની કુનો નેશનલ પાર્કમાં સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જો કે ચિત્તા ઉદયનું મૃત્યુ કેવી રીતે થયું, તેનું હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જોકે 2 ચિત્તાના મૃત્યુ નિપજતા હવે ચિત્તાઓની સંખ્યા 18 રહી છે.

મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

આ મામલે મધ્યપ્રદેશના મુખ્ય વન સંરક્ષક જે.એસ.ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી લવાયેલા વધુ એક ચિત્તા ઉદયનું કુનો નેશનલ પાર્કમાં બીમાર પડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

લડખડાઈને ચાલતો હતો ચિત્તો ઉદય

પ્રેસ નોટ અનુસાર 23મી એપ્રિલે નર ચિત્તો ઉદય બિમાર હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની નજીક જવામાં આવ્યું ત્યારે ચિત્તો ઉદય માથુ નીચે નમાવીને લડખડાઈને ચાલતો હતો. એક દિવસ પહેલા તેનું મોનિટરિંગ કરાયું હતું, ત્યારે તે એકદમ સ્વસ્થ હતો. ત્યારબાદ ડોક્ટરોને ચિત્તાની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચિત્તા ઉદયનું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું અને તે બીમાર હોવાનું જણાઈ આવ્યું હતું.

ચિત્તા ઉદયનું સારવાર દરમિયાન મોત

પ્રેસનોટમાં વધુમાં જણાવાયું છે કે, સવારે 11 વાગ્યાની આસપાસ ચિત્તા ઉદયને બેભાન કરાયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. ચિત્તા ઉદયને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ સાંજે 4 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.