×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુદરત છોડતી નથી : ચીનમાં સૌથી ભયંકર રેત તોફાન


શહેરીકરણ, ઔદ્યોગીકરણની ગાંડી-આંધળી દોટ પાછળ વૃક્ષો, જંગલોના નિકંદનનું પરિણામ

ચીનની ઉત્તરે આવેલા દેશ મોંગોલિયા અને પાટનગર બિજીંગના આકાશમાં રેતીનું સામ્રાજ્ય : ચીનમાં 400 ફ્લાઇટો રદ : મોંગોલિયામાં 81 નાગરિકો ગુમ, છના મૃત્યુ

ચીનના એક ડઝન પ્રાંત રેતીના ઓછાયાં નીચે દબાયા  જગતના સૌથી ખતરનાક ગોબીના રણમાંથી તોફાન ઉદ્ભવ્યું 

બિજીંગ : ચીન અને ઉત્તરમાં આવેલો પડોશી દેશ મોંગોલિયા દાયકાના સૌથી ખતરનાક રેત તોફાનનો સામનો કરી રહ્યા છે. ચીનના ઉત્તર ભાગમાં આવેલા પાટનગર બિજીંગ અને ચીનના ઉત્તરી પડોશી મોંગોલિયાનું આકાશ રેતીને કારણે રાતુંચોળ થયેલું જોવા મળ્યું હતું. મોંગોલિયામાં તો તોફાન પછી સાડા પાંચસો લોગો ગુમ થયા હતા. પરંતુ તેમાંથી સાડા ચારસો જેટલા નાગરિકો મળી આવ્યા હતા. 

મોંગોલિયા સરકારના બયાન પ્રમાણે સોમવારે સાંજ સુધીમાં 81 નાગરિકો ગુમ હતા. એમની શોધખોળ ચાલી રહી છે. મોંગોલિયામાં છનાં મોત થયા હતા. જ્યારે ચીને મૃત્યુ અંગે કોઈ વિગત જાહેર કરી ન હતી. બીજી તરફ બિજીંગના આકાશમાં રેતીનું સામ્રાજ્ય છવાઈ જવાથી 400થી વધારે ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. બિજીંગના બન્ને મુખ્ય એરપોર્ટ પરથી ઉડતી-ઉતરતી ફ્લાઈટો પર આ તોફાનની ભારે વિપરિત અસર થઈ હતી. માસ્ક પહેરતા લોકોએ ચહેરા પર પારદર્શક કોથળીઓ પહેરવી પડી હતી. 

બિજીંગના ગગનચૂંબી મકાનો રેતીના તોફાનમાં દેખાતા બંધ થયા હતા, તો વળી સામાન્ય નાગરિકો રસ્તા પર દૂર સુધી જોઈ શકતા ન હતા. પૂર્વમાં જાપાનના ઉત્તર છેડા સુધી તોફાનની અસર જોવા મળી હતી. આ તોફાન ચીનના એક ડઝન ઉત્તરી રાજ્યોમાં ફરી વળ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ તોફાન મોંગોલિયામાં આવેલા ગોબીના રણમાંથી ઉદ્ભવ્યું છે. ગોબીના રણની ગણતરી જગતના સૌથી ખતરનાક રણ તરીકે થાય છે. 

સામાન્ય રીતે હવામાં દુષિત કણો પીએમ-10નું પ્રમાણ દરેક ઘન મિટરે 100 જેટલું હોય તો એ સલામત ગણાય. તેનાથી વધારે કણો ધરાવતી હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ બિજીંગની હવામાં પ્રદૂષણનું પ્રમાણ 2000 માઈક્રોગ્રામ સુધી પહોંચ્યુ હતું. બીજા પ્રદૂષિત કણો પીએમ-2.5નું પ્રમાણ 300 નોંધાયુ હતુ, જ્યારે કે ચીનમાં આદર્શ પ્રમાણ 35 પીએમ ગણાય છે. એટલે કે પ્રમાણ કરતાં હવા નવગણી વધારે પ્રદૂષિત હતી. 

જંગલો કાપ્યાં એટલો તોફાન સર્જાયું : નિષ્ણાત

રણની રેતીમાં આવા વા-વંટોળ ઉદ્ભવે તેની કોઈ નવાઈ નથી. પરંતુ હવામાન વિજ્ઞાાનીઓએ તારણ આપ્યું હતું કે રણમાં ઉદ્ભવતા તોફાનો રણના કાંઠા વિસ્તારમાં પહોંચીને શાંત થઈ જતા હોય છે. આ વખતે એવું ન થયું કેમ કે તોફાનને રોકનારા વૃક્ષો જ ચીની સરકારે વિકાસના નામે કાપી નાખ્યા છે. શહેરી કરણ, ઉદ્યોગો માટે વિશાળ જમીનો ખાલી કરાઈ છે, જ્યાં વૃક્ષો ઉભા હતા. ભારતમાં આપણી સરકારો પણ શહેરીકરણ-વિકાસના નામે વૃક્ષો કાપીને આવા તોફાનોને આમંત્રણ આપે છે.