×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુંભ મેળા દરમિયાન થયેલા કોરોના ટેસ્ટમાં ગોટાળાના આરોપ, તપાસ માટે સમિતિની રચના

નવી દિલ્હી, તા. 13 જૂન 2021, રવિવાર

હરિદ્વારમાં સંપન્ન થયેલા કુંભ 2021 દરમિયાન શાહી સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની સાથે સ્થાનિક લોકોના કોરોના ટેસ્ટમાં મોટા ગોટાળાના આરોપો લાગ્યા છે. જ્યારે કોરોનાની બીજી લહેર વચ્ચે કુંભ મેળો યોજાયો ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં તેની ટીકા થઇ હતી, ત્યારે હવે કુંભમાં કોરોના ટેસ્ટીંગને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. કોરોના ટેસ્ટ અંગેના આક્ષેપ પર જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ આરોપની તપાસ માટે હરિદ્વાર જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) સી રવિશંકરે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. 

આ તપાસ સમિતિની 15 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ અપાયો છે. ત્રણ સભ્યોની આ સમિતિનું નેતૃત્વ સીડીઓ સૌરભ ગહરવાર કરી રહ્યા છે. હરિદ્વારના ડીએમ સી રવિશંકરે જણાવ્યું હતું કે તપાસમાં જો દોષી સાબિત થશે તો સંબંધિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પછી ભલે તે ગમે તેટલો મોટો અધિકારી કે કર્મચારી હોય. કોઈને બક્ષવામાં આવશે નહીં. જો તપાસમાં લેબ પરના આરોપો સાચા નિકળશે, તો અન્ય તમામ લેબ્સ દ્વારા અપાયેલા ડેટાની પણ તપાસ કરવામાં આવશે.

એવા આરોપ લાગ્યા છે કે કુંભ મેળા દરમિયાન આવનાપ તીર્થયાત્રીઓ અને સાધુ-સંતોના મોટા પાયે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ ટેસ્ટના નામે ખાનગી લેબ દ્વારા મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. જ્યારે આ મુદ્દો ચગ્યો ત્યારે ઉત્તરાખંડના આરોગ્ય સચિવે હરિદ્વારના ડીએમને તપાસ કરવા સૂચના આપી હતી. આરોગ્ય સચિવની સૂચના પર ડીએમે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.

ઉલ્લેખનીય છે કે કુંભ મેળો 2021નું આયોજન 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી થયું હતું. કોરોના વાયરસના કારણે જ કુંભ મેળાનો સમય ચાર મહિનાથી ઘટાડીને એક મહિનો કરવામાં આવ્યો હતો.  જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી 13 અને મેળા આરોગ્ય વિભાગ તરફથી નવ લેબ્સને હસ્તાંતરિત કરાઇ હતી. સમગ્ર જિલ્લામાં કોરોના ટેસ્ટ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા. એક દિવસમાં 40 હજાર સુધીના ટેસ્ટ કરાયા હતા. ત્યારે ડીએમએ આરોગ્ય વિભાગને કડક સૂચના આપી હતી કે ટેસ્ટ કરાવનારનું નામ, સરનામું અને ફોન નંબર ફરજિયાત રીતે રેકોર્ડ કરવામાં આવે.